નાથદ્વારાના ઓનલાઇન બુકીંગમાં ખાસ કરીને પુનમ, મોટા તહેવારોમાં બુકીંગનો વહિવટ સંભાળનાર અધિકારી દ્વારા જ ગેરરિતી કરાતી હોવાનો ગંભીર આક્ષેપ થયો છે. આ મામલે જૂનાગઢના નાગરિકે રાજ્યસભાના સાંસદને રજૂઆત કરી સત્વરે યોગ્ય કરવા માંગ કરી છે. જૂનાગઢના નાગરિક રસિકભાઇ પોપટે રાજ્યસભાના સાંસદ પરિમલભાઇ નથવાણીને પત્ર પાઠવ્યો છે. પત્રમાં જણાવ્યું છેે કે, નાથદ્વારા લાખ્ખો વૈષ્ણવોના આસ્થાનું કેન્દ્ર છે. પ્રતિ વર્ષ લાખ્ખો વૈષ્ણવો દર્શન માટે આવતા હોય છે. દર્શનાર્થીઓ ઓનલાઇન બુકીંગ કરાવવાનું હોય છે. નાથદ્વારા ટેમ્પલ બોર્ડ દ્વારા ઓનલાઇન બુકિંગ કરવામાં આવે છે. ટેમ્પલ બોર્ડનો ૩૦ દિવસ પહેલા જ બુકિંગ કરવાનો નિયમ છે. પણ જ્યારે જ્યારે મોટા તહેવાર આવે કે પુનમ આવતી હોય ત્યારે તે સમયે ત્યાં ઓનલાઇન બુકિંગનો વહિવટ સંભાળતા જે તે અધિકારી દ્વારા ગેરરીતી આચરવામાં આવે છે. આ અંગે ત્યાંના સીઇઓ (ચિફ એક્ઝિક્યુટિવ ઓફિસર) તરીકે ફરજ બજાવતા અધિકારીને પણ વારંવાર રજૂઆત કરવામાં આવી છે. તેમ છત્તાં પણ કોઈ કારણોસર તેમના દ્વારા પણ ધ્યાન અપાતું નથી!! બુકીંગમાં આચરાતી ગેરરિતીના કારણે નાથદ્વારા દર્શન કરવા આવતા લાખ્ખો વૈષ્ણવ અને ભાવિકોને પરિવારોને તકલીફ પડી રહી છે. ક્યારેક કાળાબજારથી રૂમ ખરીદવા પડે છેે.