વેરાવળ ખાતે આચાર્ય સંઘનું શૈક્ષણિક અને વહીવટી અધિવેશન યોજાયું

0

ગુજરાત પ્રમુખ ભાનુપ્રસાદ પટેલ,જિલ્લા શિક્ષણ અધિકારી બોરીચા સહિત મહાનુભાવો રહ્યા ઉપસ્થિત : તજજ્ઞ વક્તા અને શિક્ષણવિંદ જે.એમ. માંગરોલિયાએ આપ્યું માર્ગદર્શન

વેરાવળ ખાતે ગીર સોમનાથ જિલ્લા માઘ્યમિક અને ઉ.માધ્યમિક શાળા આચાર્ય સંઘ તથા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે શૈક્ષણિક અને વહીવટી અધિવેશન યોજાયું હતું. જેમાં શૈક્ષણિક અને વહીવટી માર્ગદર્શન, નિવૃત્ત આચાર્યઓનું સન્માન સહિત ના કાર્યક્રમ યોજાયા હતા. ગુ.રા. આચાર્ય સંઘના પ્રમુખ તેમજ ગુ.મા.અને ઉ.મા. શિક્ષણ બોર્ડ ગાંધીનગરના કારોબારી સભ્ય ભાનુપ્રસાદ એ. પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલ અધિવેશનમાં ગીર સોમનાથ જિ.શિ. અધિકારી એમ. પી. બોરીયા, તજજ્ઞ વક્તા અને શિક્ષણવિંદ રક્ષાશક્તિ સ્કૂલ – ગાંધીનગરના જે.એમ. માંગરોલિયા, પૂર્વ બોર્ડ મેમ્બર સંચાલક મંડળના પ્રિયવદનભાઈ કોરાટ, રાજ્ય ઉપાધ્યક્ષ હરદેવસિંહ જાડેજા, મહામંત્રી ભરતભાઈ ચૌધરી સહિતના રાજ્યભરમાંથી મહાનુભાવો તેમજ જિલ્લાભરના આચાર્યો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અધિવેશનમાં સંઘના જિલ્લા પ્રમુખ ભરત વાળાએ શબ્દોથી સ્વાગત સાથે આચાર્યોની સમસ્યા અંગે રાજ્ય સંઘના હોદેદારોને માહિતગાર કર્યા હતા. અધિવેશનના પ્રથમ સત્રમાં સંઘના ગુજરાત પ્રદેશ પ્રમુખ ભાનુપ્રસાદ પટેલ દ્વારા ઉપસ્થિત આચાર્યોને સરકારી ગ્રાન્ટેડ શાળાઓને સરકાર તરફથી મળતી વિવિધ યોજનાકીય સુવિધાઓ વિશે માહિતગાર કર્યા હતા તેમજ આચાર્ય કક્ષાએથી સરકાર કક્ષાના વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે સમયાંતરે સરકાર સાથે બેઠકો યોજી આચાર્યોના પડતર પ્રશ્નોની ઉકેલ માટે હાથ ધરવામાં આવતી કામગીરીથી આચાર્યો અને વાકેફ કર્યા હતા, આ તકે શિક્ષકોની વર્ષો જૂની જૂની પેન્શન યોજના ની જે માંગ હતી એ માંગને અંતે સરકારે સ્વીકારી હોય જે મુદ્દે પણ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. વહીવટી સત્રમાં રક્ષા શક્તિ સ્કૂલ ગાંધીનગરના શિક્ષણવિદ અને વહીવટી ક્ષેત્રના નિષ્ણાંત જે એમ માંગરોળિયા દ્વારા આચાર્યને આ વિષય ઉપર વિસ્તૃત છણાવટ સાથેનું માર્ગદર્શન પૂરૂ પાડ્યું હતું. શૈક્ષણિક અને વહીવટી અધિવેશનમાં શૈક્ષણિક સત્રમાં કેન્દ્ર સરકારની નવી શિક્ષણ નીતિ એના સુચારૂ અમલ માટે કયા કયા મુદ્દાઓ અસરકર્તા છે તે મુદ્દે વિસ્તૃત ચર્ચાઓ અને માહિતીની આપ લે કરવામાં આવી હતી. જ્યારે વહીવટી સત્રમાં સરકાર દ્વારા સમયાંતરે જાહેર કરાતા પરિપત્રો અને નીતિ નિયમોની સુચારૂ અમલવારી શાળા કક્ષાથી લઈ જિલ્લા શિક્ષણ અધિકારી અને સરકારના શિક્ષણ વિભાગ સુધીની કડીરૂપ તમામ કચેરીઓમાં સરકારના નીતિ નિયમો અને પરિપત્રોની ચોકસાઈ પૂર્વક અમલવારી થાય તે મુદ્દે વહીવટી કામગીરીની સમીક્ષા અને તે મુદ્દે વિસ્તૃત ચર્ચા સાથે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અધિવેશનમાં ઉપસ્થિત મહાનુભાવોનું જિલ્લા સંઘના પ્રમુખ, મહામંત્રી સહિત કારોબારી સભ્યો દ્વારા પુષ્પગુચ્છ અને સાલ ઓઢાડી મોમેન્ટો આપી અભિવાદન કરાયું હતું. સમગ્ર અધિવેશનને સફળ બનાવવા જિલ્લા સંઘના પ્રમુખ ભરત વાળા તેમજ મંત્રી સી.એલ. વાજા સહિત કારોબારી સભ્યોની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

error: Content is protected !!