BAPS સ્વામિનારાયણ મંદિરના ૧૭માં પાટોત્સવ પર્વના તૃતીય દિવસ ૩ મે મંગળવારની રાત્રે, મંદિરના ગુણાતીત સભા હોલમાં હકડેઠઠ ભક્તજન મેદની હર્ષ ઉલ્લાસ સાથે ડાયરાના રંગે રંગાઈ ગઈ હતી. ગુજરાતના પ્રસિદ્ધ લોકસાહિત્યકાર, લોકગાયક ર્નિમળદાન ગઢવીજીએ ખાસ પર્વ ઉપર પધારીને ” પ્રમુખ વંદના ” શીર્ષક હેઠળ હજારો ભક્તજન મેદની તથા અગ્રગણ્ય મહાનુભાવો અને મોટી સંખ્યામાં સંતો વચ્ચે ડાયરાનો રંગ જમાવી દીધો હતો. રાત્રે ૯ થી ૧૨ એમ સતત ત્રણ કલાક સુધી ર્નિમળદાન ગઢવીએ પોતાના પહાડી કંઠે પ્રમુખસ્વામી મહારાજનાં યશોગાન અને લોકસાહિત્ય પીરસ્યું હતું. અત્રે નોંધનીય છે કે ડો. ર્નિમળદાન ગઢવીજી ચરોતરના મોરડ ગામે ગવર્મેન્ટ સ્કૂલના પ્રિન્સિપાલ છે અને વિશેષમાં પદ્મશ્રી દુલાભાયા કાગના જીવન-કવન ઉપર તેમણે PHDની ડોક્ટરેટ ડિગ્રી હાંસલ કરી છે. કાગવાણીના ઘણા એપિસોડ ગુજરાતની ચેનલો ઉપર તેમના કંઠે રજૂ થયા છે. ર્નિમળદાન ગઢવીજીએ પોતાની રજૂઆતમાં “ડાયરાની વ્યાખ્યા” કરતા જણાવ્યું હતું કે ” જે સત્ય અને સંસ્કાર પીરસે , છીછરૂ હાસ્ય નહીં પણ જીવનના મર્મ અને ધર્મને વણીને હાસ્યરસ પીરસે, જ્યાં લોક પોતાના પરિવાર બાળકો સાથે બેસીને સંસ્કાર કે દેશભક્તિના વિચારો લઈને જાય તેવું આનંદમય હાસ્ય પીરસે તેને ડાયરો કહેવાય. ” આ પ્રસંગે તેમણે દુલાભાયા કાગને પણ યાદ કરીને સ્મૃતિ કરી હતી કે જ્યારથી તેમના જીવનમાં યોગીજી મહારાજનો યોગ થયો ત્યારથી તેમણે અન્ય કવિત્ લખવાના બંધ કરી દીધા. અને ગાયું કે “જાેગી જાેયા જાેવાનું કંઈ નવ રહ્યું રે” તેમણે કાક બાપુનું “આવકારો મીઠો આપજે રે.. ” કાવ્ય લલકારીને સહુના મન રંજન દીધા હતા. તેમણે પ્રમુખસ્વામી મહારાજનાં ચરણે સ્મૃતિ અંજલી અર્પતા પોતાના સ્વાનુભાવો વર્ણવતા કહ્યું હતું કે ” પ્રમુખસ્વામી બાપા પત્રો દ્વારા પણ સૌની મૂંઝવણ ઉકેલી દેતા અને તેઓ આશીર્વાદ આપતા તે સત્ય ઠરતા. પ્રમુખસ્વામી મહારાજે વિશ્વમાં ૧૩૦૦ ઉપરાંત મંદિરો રચીને આપણી સંસ્કૃતિ અને સંસ્કાર બચાવ્યા છે. ભણેલા ગણેલા ઊચ્ચ ડિગ્રી વાળા ૧૧૦૦ ઉપરાંત નવયુવાનોને સાધુ બનાવીને ગામડે ગામડે તેમની જેમ જ લોકોને વ્યસન મુક્ત કરવા, સમાજ શુદ્ધ કરવા , સમાજમાં પુરૂષાર્થ કરવા મૂકી દીધા. આ કેટલી અસામાન્ય વાત કહેવાય ! ” ર્નિમલદાન ગઢવીજીના “પ્રમુખ વંદના” ડાયરાના મધ્યાન્તરે પ્રમુખસ્વામી મહારાજના ૪૦ વર્ષ સુધી હમસફર રહ્યા એવા સદગુરૂ સંત પૂજ્ય વિવેક સાગર સ્વામીએ ‘સંગીત અને જીવન સંગીત’ ના વિચાર મર્મ સાથે સુંદર પ્રવચન કર્યું હતું અને ર્નિમળદાનજી ગઢવીને સાલ ઓઢાડી, સન્માન કરીને બિરદાવીને આશીર્વાદ આપ્યા હતા. આ પ્રસંગમાં સંસ્થાના અન્ય સદગુરૂ સંત પૂજ્ય ઘનશ્યામ ચરણ સ્વામી પણ ઉપસ્થિત રહ્યા હતા તથા જુદા જુદા મંદિરના કોઠારી સંતો પણ ઉપસ્થિત રહ્યા હતા.