ગર્ભસ્થ શિશુના જાતિ પરિક્ષણ અટકાવવા, સમાજમાં પુરૂષ અને સ્ત્રીનું પ્રમાણ સમતોલ જળવાઈ રહે તે હેતુથી સરકાર દ્વારા પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એકટનો કાયદો ઘડવામાં આવ્યો છે. પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એકટનું દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ક્ષતિ રહિત અમલીકરણ થાય તે હેતુથી સામાજીક કાર્યકર ડો. કાશ્મિરાબેન રાયઠઠાના અધ્યક્ષસ્થાને જિલ્લા એડવાઈઝરી કમિટીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં, હોસ્પિટલોમાં ઈન્સ્ટોલ થયેલ સોનોગ્રાફી મશીનોની નોંધણી માટે મળેલી અરજીઓ બાબતે ચર્ચા કરવામાં આવી હતી. સાથે આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા સોનોગ્રાફી સેન્ટરોની સ્થળ તપાસણી અંગે રજુ કરવામાં આવેલા અહેવાલો વંચાણે, લઈ સોનોગ્રાફી સેન્ટર ખાતે એકટના અમલીકરણ તેમજ જિલ્લાના જાતિ પ્રમાણ દર બાબતે સમિક્ષા કરવામાં આવી હતી. પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એકટ-૧૯૯૪ અંતર્ગત નોંધાયેલા સરકારી તથા બિન સરકારી ડોકટરોને પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એકટ હેઠળ થયેલી જાેગવાઈઓ તથા નિયમોના ચુસ્તપણે અમલીકરણ કરવા વિશે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા એડવાઈઝરી સમિતિના સભ્યો વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.