ભાણવડના છ વર્ષ પહેલાના એટ્રોસિટી કેસમાં આરોપીને બે વર્ષની સખત કેદ

0

રૂા.૧૧,૦૦૦નો દંડ ફટકારતી ખંભાળિયાની સ્પે. એટ્રોસિટી કોર્ટ

ભાણવડ તાલુકાના હાથલા ગામે આજથી આશરે છ વર્ષ પૂર્વે નગરપાલિકાના સફાઈ કામદારો દ્વારા જેસીબી મશીન વડે સાફ-સફાઈની કામગીરી કરવામાં આવી રહી હતી. તે દરમ્યાન હાથલા ગામના ઉપસરપંચ ગિરિરાજસિંહ જેઠવા તથા મોરાણા ગામના યુવાન યુવરાજસિંહ વિક્રમસિંહ જેઠવા આ સ્થળે આવ્યા હતા અને રોડ ઉપર રહેલો કચરો દૂર કરવા ચાલી રહેલી ચર્ચામાં કોઈ કારણોસર ઉશ્કેરાઈ ગયેલા યુવરાજસિંહ જેઠવાએ આ સ્થળે રહેલા સામતભાઈ સોમાભાઈ મગરા (રહે. હાથલા)ને “ઉકરડો બીજી જગ્યાએ ફેંકી દેવો છે”- તેમ કહી અને આરોપીએ ફરિયાદી સામતભાઈને બિભત્સ ગાળો કાઢી, જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી, હડધૂત કર્યા હતા. બધડાટી દરમ્યાન આ સ્થળે રહેલા ફરિયાદીના પત્ની અને ભાઈ વિગેરે વચ્ચે આવી ગયા હતા અને તેઓને છોડાવ્યા હતા. આ બનાવ અંગે ભાણવડ પોલીસ મથકમાં આઈ.પી.સી. કલમ ૩૨૩, ૫૦૪ તથા એટ્રોસિટી એક્ટની કલમ મુજબ ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે સંદર્ભે તપાસનીસ અધિકારી દ્વારા ચાર્જસિટ રજૂ કરવામાં આવતા ખંભાળિયાની એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલી ગયેલા આ કેસમાં કુલ ૧૧ સાક્ષીઓની તપાસ, સાહેદોની જુબાની તથા આ કેસ સંદર્ભે જિલ્લા સરકારી વકીલ એલ.આર. ચાવડાની દલીલોને ગ્રાહ્ય રાખી ખંભાળિયાના એડિશનલ સેશન્સ જજ દ્વારા આરોપી યુવરાજસિંહ જેઠવાને તકસીરવાન ઠેરવીને બે વર્ષની સખત કેદની સજા તથા રૂપિયા ૧૧,૦૦૦નો દંડ ફટકારતો હુકમ કર્યો છે.

error: Content is protected !!