માંગરોળમાં રસ્તાના ધીમી ગતીથી થતા કામોને લઈ લોકોને હાલાકી

0

માંગરોળ બંદરના બઈ વિસ્તારમાં રસ્તાના અણધડ અને ધીમી ગતિએ થઈ રહેલા કામોથી પડી રહેલી હાલાકી સબંધે લોકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. ત્યારે કામમાં થઈ રહેલા વિલંબ બાબતે કાર્યવાહી કરી સમસ્યાનું નિવારણ લાવવા માંગ ઉઠી છે. ખારવા સમાજના પટેલ પરસોતમભાઈ ખોરાવા, સ્થાનિક આગેવાનો સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોએ આજે મામલતદાર, ચિફ ઓફીસર તથા પોલીસ તંત્રને આવેદન પાઠવ્યું હતું. છેલ્લા કેટલાય સમયથી મકતુપુરથી ધોળાપીર દરગાહ સુધી માર્ગ મકાન વિભાગના રસ્તાનું કામ ચાલુ છે. ઠેર ઠેર ખોદાયેલા રસ્તા મગરમચ્છની પીઠ જેવા થઈ જતાં અકસ્માતમાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયાના બનાવો બન્યા છે. તાજેતરમાં વાવાઝોડા જેવા વાતાવરણમાં વરસાદ પડતાં અનેક જગ્યાએ બે, બે ફુટ પાણી ભરાયાં હતા. ત્યારે વાહન તો ઠીક, લોકોને ચાલીને નીકળવું પણ પણ કપરૂ બન્યું હતું. લાંબા સમયથી ઢંગધડા વગરનાં આયોજનથી થઈ રહેલા કામથી પાણીની લાઇનો તુટી ગઈ છે. જે રિપેર ન થતાં દિવસોથી પાણી વિતરણ ઠપ્પ જેવી સ્થિતિમાં છે. કુવામાં ખારા પાણી હોવાથી લોકોને પૈસા ખર્ચીને ટેન્કરનું પાણી વેંચાતુ લેવું પડે છે. આગામી દિવસોમાં લગ્નની સિઝન શરૂ થતી હોય, લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે. કોન્ટ્રાકટરને અનેક વખત મૌખિક રજૂઆતો કરવા છતાં કોઈ પરિણામ આવતું નથી. ત્યારે લોકોની હાલાકી નિવારણ લાવવા માંગ કરી છે.

error: Content is protected !!