રાજકોટ જિલ્લામાં “પ્રધાનમંત્રી આવાસ યોજના” હેઠળ શહેરી વિસ્તારમાં કુલ ૬૨,૯૭૩ આવાસો, ગ્રામીણ વિસ્તારમાં ૧૩૧૮ જેટલા આવાસોનું નિર્માણ

0

અમે પહેલા વડીલોએ બનાવેલ કાચા મકાનમાં રહેતા હતા ને હવા-ઉજાસવાળા પાકા મકાનનું સ્વપ્ન કેન્દ્ર અને રાજ્ય સરકારે પરીપૂર્ણ કરતા અમો સરકારના ખુબ ખુબ આભારી છીએ : લાભાર્થી પરસોત્તમભાઈ ભેડા

“અમે પહેલા અમારા વડીલોએ બનાવેલ કાચા મકાનમાં રહેતા હતા. ગામમાં અન્ય વિકસિત કુટુંબોની માફક સારા હવા-ઉજાસવાળા પાકા મકાનમાં રહેવા માટેના સ્વપ્ન સેવતા હતા. અમારા પરિવારના સ્વપ્નને કેન્દ્ર અને રાજ્ય સરકારે પરીપૂર્ણ કર્યું. અમારા પરિવારને પાકી છત પ્રદાન કરી, અમારા પરિવારનું ભાવિ ઉજ્જવળ બનાવવા બદલ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો ખુબ ખુબ આભાર માનીએ છીએ.” આ શબ્દો છે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાનાં નાગવદર ગામનાં પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ)ના લાભાર્થી પરસોત્તમભાઈ રામજીભાઈ ભેડાનાં. પરિવારને પાકી છત મળ્યાની ખુશીરૂપે સરકાર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતા પરસોત્તમભાઈ જણાવે છે કે, મારી પત્ની અને બે સંતાનો સાથે રહીને ખેતીકામ કરીને પરીવારનું ગુજરાન ચલાવું છું. ખેતીકામ થકી ઉપાર્જિત થતી તમામ મુડી કુટુંબના ભરણપોષણમાં ખર્ચાય જતી હોવાના કારણે બચત કરવી પણ મુશ્કેલ હતી. બચત ન હોવાથી ભવિષ્યમાં પાકું મકાન બનાવીશું તેવી આશા પણ ન હતી. ઠંડી, ગરમી અને વરસાદ જેવી કુદરતી આફતો સામે મારા કુટુંબને પુરતું રક્ષણ મળતું ન હોવાથી ઘણીવાર કુટુંબના સભ્યો બિમારીનો ભોગ બનતા જેથી દવાઓના ખર્ચાઓ પણ વધી જતા હતા. એક દિવસ ગ્રામ સરપંચ, તલાટી કમ મંત્રી, ગ્રામસેવક અમારા ઘરે મુલાકાતે આવ્યા અને કહ્યું કે, “આવાસ પ્લસ સર્વે ૨૦૧૯-૨૦ની યાદીમા તમારા કુટુંબનો સમાવેશ થયો છે. પાકું ઘર બનાવવા માટે તમને સરકાર તરફથી આર્થિક સહાય મળશે” તેમના આ શબ્દોએ અમારૂ ભાગ્ય બદલયું. અમારા સ્વપ્નના પાકા ઘર બનાવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ સહિતની તમામ બાબતની સંપુર્ણ માહિતીથી વાકેફ કર્યા. સરકારની આશીર્વાદરૂપ આ યોજનાથી આજે અમે પાકા મકાનમાં ખુશી ખુશી અને ચિંતામુક્ત રહીને નિર્વાહ કરી રહ્યા છીએ તેમ પરસોત્તમભાઈએ કહ્યું હતું. ગામના સરપંચ, તલાટી મંત્રી, ગ્રામસેવક તથા સગા સંબંધીઓનો આભાર માનતા તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, તલાટી કમ મંત્રી તથા ગ્રામસેવક મારફત ફોર્મ ભરીને તાલુકામાં મોકલ્યું અને સત્વરે મંજુર થયું. મકાન બનાવવા માટે અમોને રૂા.૧,૨૦,૦૦૦/-ની આર્થિક સહાય મળી છે, જેમાં પ્રથમ રૂા.૩૦,૦૦૦/-નો હપ્તો, બીજાે હપ્તો રૂા.૫૦,૦૦૦/-, ત્રીજાે હપ્તો રૂા.૪૦,૦૦૦/-, ટોયલેટના બાંધકામ માટે વધારાના રૂા.૧૨,૦૦૦/-, બાથરૂમના બાંધકામ માટે વધારાના રૂા.૫,૦૦૦/-, તથા કુટુંબના સભ્યોની મદદથી મકાન બાંધકામ જાતે કર્યું હોવાથી મનરેગા યોજના હેઠળ રૂા.૧૭,૨૮૦/- રોજગારી પેટે અમારા બેંક ખાતામાં સીધા જમા થયા હતા. રાજય સરકાર દ્વારા પ્રથમ હપ્તાની ચુકવણી બાદ છ માસની અંદર મકાનનું બાંધકામ પૂર્ણ કરનારા લાભાર્થીઓને “મુખ્યમંત્રી પ્રોત્સાહક સહાય યોજના” હેઠળ લાભાર્થીને રૂા.૨૦,૦૦૦/-ની સહાય પણ ચુકવવામાં આવે છે. દરેક પરિવારને ઘરનું ઘર મળે તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ ૨૦૧૫માં “પ્રધાનમંત્રી આવાસ યોજના” (શહેરી) જાહેર કરી હતી. ત્યારબાદ, ગ્રામીણ વિસ્તારના લોકોને પણ પોતાનું ઘરનું ઘર મળે તેવા ઉદ્દેશ્યથી વર્ષ ૨૦૧૬માં “પ્રધાનમંત્રી આવાસ યોજના” (ગ્રામીણ) અમલમાં મૂકવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં “પ્રધાનમંત્રી આવાસ યોજના”ના અમલીકરણમાં દેશના અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાત અગ્રેસર રહ્યું છે. ત્યારે રાજકોટ જિલ્લામાં શહેરી વિસ્તારમાં ૬૨,૯૭૩ તથા ગ્રામીણ વિસ્તારોમાં આજ દિન સુધીમાં વિવિધ યોજનાઓનું કન્વર્જન્સ કરીને માળખાગત સુવિધાઓ સાથે ૧૩૧૮ આવાસોનું નિર્માણ પૂર્ણ થઈ ચુક્યું છે, જેના કારણે શહેરી વિસ્તાર તથા ગ્રામ્ય વિસ્તારના ગરીબ અને મધ્યમ વર્ગના જરૂરિયાતમંદ પરિવારોના “ઘરના ઘર”નું સ્વપ્ન સાકાર થયું છે. “પ્રધાનમંત્રી આવાસ યોજના” થકી રાજ્યના નાગરિકોને પોતાનું ઘરનું ઘર મળી રહે તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધતાથી કાર્ય કરી રહી છે. ત્યારે રાજકોટ માટે ગર્વની વાત છે કે, મોનોલિથિક કોન્ક્રીટ કન્સ્ટ્રક્શન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને “ગ્લોબલ હાઉસિંગ ટેક્નોલોજી – ઇન્ડિયા”ના લાઈટ હાઉસ પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાતમાં રાજકોટની પસંદગી કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટ અંતર્ગત, ઈ.ડબ્લ્યુ.એસ.- ૨ પ્રકારના ૩૯.૭૭ ચોરસ મીટર કાર્પેટ એરિયા ધરાવતા કુલ ૧૧૪૪ આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે.

error: Content is protected !!