જૂનાગઢ શહેર અને જીલ્લાના કેટલાક બીપીએલ કાર્ડધારકો એવા છે જેમની પાસે ઘણીબધી મિલ્કતો હોવાની ચર્ચા : લાગવગના જાેરે બીપીએલ કાર્ડ કઢાવી લીધા છે તેવી અનેક ફરિયાદ
ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા અનેક પ્રકારની સરકારી યોજના અમલમાં છે અને આ યોજના થકી જરૂરીયાતમંદ અનેક લોકોને અનાજથી લઈ અને જુદી-જુદી સહાયોના લાભો મળી રહ્યા છે. જેમ વહિવટી તંત્રમાં કેટલાક કામોમાં ભ્રષ્ટાચાર થતો હોવાની અનેક ફરિયાદ અને ઘણીવાર મોટા કૌભાંડો પણ બહાર આવતા હોય છે. ત્યારે સરકારની વિવિધ યોજનાઓમાં પણ ખોટા લાભાર્થીઓ લાભ લઈ જતા હોવાની ચોકાવનારી વિગતો અવાર-નવાર બહાર આવે છે. દરમ્યાન સરકાર દ્વારા ગરીબ અને જરૂરીયાતમંદ પરિવારનો મદદ કરવા બીપીએલ, એપીએલ, એપીએલ-૧ અને અત્યોદય યોજનાના કેટેગરી વાઇઝ કાર્ડ આપેલ છે અને અનેક પરિવારો તેનો લાભ લઈ રહ્યા છે. દરમ્યાન અવાર-નવાર રેશનીંગની દુકાનમાં કાર્ડધારકોને અપાતો માલ બારોબાર અનઅધિકૃત રીતે તેનું સંગ્રહ અને વેંચાણ કરવામાં આવતું હોવાના પણ બનાવો પ્રકાશમાં આવેલ છે. તાજેતરમાં જ જૂનાગઢ જીલ્લામાંથી જ ઘઉ અને ચોખાનો ગેરકાયદેસર જથ્થો ઝડપી લેવામાં આવેલ છે. દરમ્યાન પુરવઠા વિભાગ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરી અને રેશન કાર્ડની ખરાઈ કરતા ૧૬ર જેટલા કાર માલીકોના રાશન કાર્ડ રદ કરી નાખવામાં આવેલ છે અને આ કામગીરીને આવકારમાં આવી રહી છે. દરમ્યાન કાર માલીકોના રાશન કાર્ડ તો રદ થયા છે પરંતુ એક ચોકાવાનારી વિગત અનુસાર અસંખ્યા લોકો એવા છે કે જેમની પાસે બીપીએલ કાર્ડ પણ ધરાવે છે. બીપીએલ કાર્ડ ધારક કોણ છે તેની પાસે કેટલી વિગત છે તે અંગેનો સર્વે કરવામાં આવશે તો જૂનાગઢ જીલ્લામાંથી બીપીએલ કાર્ડનું મોટું કૌભાંડ બહાર આવે તેવી શકયતા અત્યંત વગદાર સુત્રોમાંથી દર્શાવવામાં આવી છે. સરકાર દ્વારા ગરીબ- જરૂરિયાતમંદ પરિવારોને મદદ કરવા બીપીએલ, એપીએલ, એપીએલ ૧ અને અંત્યોદય જેવા વિવિધ કેટેગરીના કાર્ડ અપાય છે. ત્યારે કાર્ડ ધારક જે તે કાર્ડના આધારે સરકારની વિવિધ યોજનાનો લાભ મેળવતા હોય છે. પરંતુ સરકારી યોજનાના લાભથી સાચા લાભાર્થી વંચિત ન રહી જાય અને ખોટા લાભાર્થી લાભ લઇ ન જાય તે માટે સમયાંતરે સરકાર દ્વારા ચેકીંગ કરવામાં આવતું હોય છે. આમાં કાર્ડના નિયમ વિરૂદ્ધ આર્થિક સદ્ધરતા ધરાવતા હોવાનું જણાયે તેમના કાર્ડને રદ કરવામાં આવતા હોય છે. થોડા સમય પહેલા આવા ૨૩૮ બીપીએલ કાર્ડને રદ કરવામાં આવ્યા હતા. કારણ કે, ૨૦ વર્ષ પહેલા પિતાના નામે કાર્ડ નિકળ્યું હોય ત્યારે આર્થિક સ્થિતી સામાન્ય હોય. પરંતુ હવે દિકરા કમાતા થયા હોય, સરકારી નોકરી કરતા હોય, ઘરના મકાન, ગાડી હોય, ૨.૫૦ લાખની આવકના દાખલા કઢાવતા હોય તો તેવા કિસ્સામાં કાર્ડ ધારક બીપીએલ કાર્ડના નિયમની બહાર હોય તેમના કાર્ડ રદ કરવામાં આવ્યા હતા. જ્યારે હવે ૧૬૨ એપીએલ રાશન કાર્ડ ધારકોના કાર્ડ રદ કરવામાં આવ્યા છે.ખાસ કરીને એપીએલ કાર્ડ ધારક ફોર વ્હિલ ધરાવતો ન હોવો જાેઇએ તેવો નિયમ છે. ગાંધીનગરની વડી કચેરી દ્વારા જિલ્લામાં ફોર વ્હિલ ધરાવતા વાહન માલિકોની યાદી અપાઇ હતી. ત્યારે જૂનાગઢ જિ. પુરવઠા અધિકારીની સૂચના અને મામલતદારના માર્ગદર્શનમાં જિલ્લાના વાહન ધારકોમાંથી જૂનાગઢ ગ્રામ્ય તાલુકાના વાહન ધારકોને તેઓના રેશન કાર્ડ સાથે નામ મેચ કરી સબંધિતોને નોટિસ આપી નિયમાનુસાર કાર્યવાહી કરાઇ હતી. આમાં કુલ ૨૦૭ રાશનકાર્ડ ધારકોને નિયમાનુસાર નોટીસો અપાઇ હતી અને કાર છે કે નહિ ? હોય તો જાણ કરવા અને ન હોય તો પુરાવા રજૂ કરવા જણાવાયું હતું. દરમ્યાન ૨૦૭માંથી ૧૬૨ લોકો એવા હતા જે વાહન ધરાવતા હતા જેથી તેમના રાશનકાર્ડ રદ કરવામાં આવેલ છે. જ્યારે બાકીના ૪૫એ વાહન વેંચ્યાની આરસી બુક રજુ કરતા લાભાર્થી તરીકે ચાલુ રખાયા છે. જૂનાગઢ પુરવઠા શાખા દ્વારા આ કામગીરી કરવામાં આવી છે. ત્યારે ગુજરાતમાં જૂનાગઢ પ્રથમ તાલુકો છે જેમણે સરકારની સૂચના મુજબ તપાસ કરી ફોર વ્હિલ ધરાવતા રાશનકાર્ડ ધારકો યોજના માટે લાયક ન હોય તેમના રાશનકાર્ડ રદ કર્યા છે. દરમ્યાન એપીએલ ૧ને એનએફએસએ એટલે કે નેશનલ ફૂડ સેફ્ટી એક્ટ અંતર્ગત અનાજ આપવામાં આવે છે. બીપીએલને રાષ્ટ્રિય અન્ન સલામતી કાયદા અનુસાર રાશન મળે છેે અને રાહતના પ્લોટ પણ મળી શકે છે. એપીએલ ૨ને કંઇ મળતું નથી. જ્યારે અંત્યોદય કાર્ડ એવા લોકોને મળે છે જેઓ વૃદ્ધ, નિરાધાર, અપંગ, અશક્ત હોય, ઘરમાં કોઇ કમાઇ શકે તેવી સ્થિતીમાં ન હોય તેવા લાભાર્થીને દર મહિને સરકાર દ્વારા ફ્રિમાં ૩૫ કિલો અનાજ-રાશન મળે છે. જૂનાગઢ ગ્રામ્ય તાલુકમાં આવા ૧૪૧ અંત્યોદય કાર્ડ ધારકો છે.
બીપીએલ કાર્ડ ધારકોનો સર્વે કરવા માંગ
જૂનાગઢ શહેર અને જીલ્લામાંથી પુરવઠા તંત્ર દ્વારા સઘન કામગીરી હાથ ધરી અને કારની માલીકી ધરાવતા ૧૬ર કારધારકોના રાશન કાર્ડ રદ કરી નાખવામાં આવેલ છે. તો બીજી તરફ વગદાર સુત્રો દ્વારા મળતી વિગત અનુસાર અને જાણકારો એવું દર્શાવી રહ્યા છે કે, જાે બીપીએલ કાર્ડનું ચેકિંગ કરવામાં આવે તો જૂનાગઢ શહેર અને જીલ્લામાંથી મસમોટું કૌભાંડ બહાર આવે તેમ છે જેથી આ દિશામાં તાત્કાલીક પગલા ભરવાની માંગ ઉઠી છે.