કોને નોટીસ આપી તે અંગેની જાણકારી સંબંધિત તંત્રએ છુપાવી હોવાની થઈ રહી ચર્ચા
જૂનાગઢ મહાનગરપાલિકા તંત્ર દ્વારા શહેરમાં થયેલા કથીત ગેરકાયદેસર બાંધકામ સામે અવાર-નવાર નોટીસો પાઠવવામાં આવે છે પરંતુ આગળની કોઈ કાર્યવાહી થઈ છે કે કેમ તે અંગેની કોઈ જાણકારી આમ જનતાને આપવામાં આવતી ન હોવાની અનેક ફરિયાદો રહેલી છે. આ દરમ્યાન શહેરના ભવનાથ અને ઝાંઝરડા વિસ્તારમાં ધમધમી રહેલા પાર્ટી પ્લોટ વિરૂધ્ધ મનપાએ ર૦ નોટીસો જારી કરી છે જેને લઈને ચકચાર જાગી ઉઠી છે. આ અંગે પ્રાપ્ત થતા અહેવાલ અનુસાર જૂનાગઢ શહેરમાં ભવનાથ અને ઝાંઝરડા બાયપાસ ઉપર આવેલા કેટલાક પાર્ટી પ્લોટો નિયમ વિરૂધ્ધ ધમધમી રહ્યા હોવાના ફરિયાદો બાદ મનપા તંત્ર હરકતમાં આવી ગયું છે અને ર૦ જેટલા પાર્ટી પ્લોટોને મહાનગરપાલિકાએ નોટીસ ફટકારી છે. ચોકવાનારી વિગતો એ છે કે ઝાંઝરડા બાયપાસ રોડ અને ભવનાથ વિસ્તારમાં ધમધમી રહેલા પાર્ટી પ્લોટોમાંથી કેટલાક પાર્ટી પ્લોટો બિનખેતી થયા નથી, બાંધકામની મંજુરી નથી તેમજ ફાયર એનઓસી પણ નથી, લગ્ન પ્રસંગોમાં ભાડે આપી અને લાખો રૂપીયા કમાઈ રહેલા પાર્ટી પ્લોટોમાં ફાયર સીસ્ટમ ન હોય અને જાે આગ લાગે તો જાનહાની થાય તો જવાબદારી કોની તેવો સવાલ ઉઠવા પામેલ છે. દરમ્ય્ન મનપા તંત્રએ કેટલાક પાર્ટી પ્લોટોને નોટીસ ફટકારી છે ત્યારે આ નોટીસ પાઠવ્યા બાદ મનપા તંત્ર કેવી કામગીરી કરે છે ઉપર સંબંધિતોની મીટ માંડાયેલી છે.