દિકરીને દતક લઈ અમેરીકાના દંપતીએ માનવતાની સુવાસ પ્રસરાવી અને દીપાવ્યું આંગણું
રાજકોટ ખાતેના કાઠીવાડ બાલાશ્રમની ૧ર વર્ષની એક બાળકીને પાલક માતા-પિતાનો સહારો મળ્યો છે. મુળ બિહારી દંપતી કે જેઓ હાલ અમેરીકામાં વસવાટ કરે છે તેઓએ તન્મય નામની બાળકીને દતક લીધી છે અને તેને નવું નામ આહના આપવામાં આવ્યું છે. આ બાળકી હવે અમેરીકામાં પોતાના પાલક માતા-પિતા સાથે રહી અને સુખમય જીંદગીનો આ સ્વાદ માણી શકશે. આ બાળકીને દતક લેનાર પાલક માતા-પિતાએ પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, તેઓના પરિવારમાં દીકરી આવવાથી તેમનો અધુરો પરિવાર પુર્ણ થયો છે તેમ જણાવ્યું હતું. એક અનાથ બાળકીને દતક લઈ અને તેનું જીવન સુમધુર બનાવનાર પાલક માતા-પિતાની માનવતાભર્યા અભિગમ અંગે વિસ્તૃત અહેવાલ અત્રે પ્રસ્તુત કરાયો છે અને સમાજને એક નવો રાહ ચિંધ્યો છે. જેમાંથી બોધપાઠ લઈને અનેક અનાથ બાળકોના જીવન મંગલમય બને તેવી શુભ ભાવના પણ વ્યકત કરવામાં આવી છે.
દીકરી એટલે ઈશ્વરના આર્શીવાદ નહી પણ આર્શીવાદમાં મળેલા ઈશ્વર
આપણે ભલે આધુનિક સમાજમાં જીવતા થયા હોયએ દીકરીને દીકરા સમોવડી ગણાવતા થયા હોયએ પરંતુ આજે પણ ક્યાંકને ક્યાંક આપણો સમાજ હજુય ખૂબ પછાત છે તેવું રોજબરોજના કિસ્સાઓ ઉપરથી લાગી રહ્યું છે. આપણે ભલે દીકરો-દીકરી એક સમાન હોવાની વાતો કરતા થયા હોઈએ પરંતુ આજે પણ સ્ત્રીનું ગર્ભ પરિક્ષણ કરાવાય છે, છાને ખૂણે દીકરીને ભૃણમાં જ મારી નાખવામાં આવે છે, દીકરીને દીકરા સમોવડિયા અધિકારોથી વંચિત રખાય છે. આપણો સમાજ એક ઊંચાઈ તરફ ગતિ તો કરી રહ્યો છે. જેમાં એક દીકરીને પણ સમાન અધિકારો મળી રહે. પરંતુ હજુય ક્યાંકને ક્યાંક દીકરીને સાપનો ભારો ગણવામાં આવે છે. સમાચારોમાં રોજ બરોજ નાનકડી દીકરી ઉપર થતાં દુષ્કર્મના બનાવો સામે આવતા હોય છે. હજુય દહેજની આગમાં હોમાઈ જતી દીકરીની કાળજું કંપાવે તેવી ઘટના સામે આવતી હોય છે. તેવામાં ઉપરોક્ત ઉકિતને સાર્થક કરે તેવી એક દીકરીને વિદેશમાં રહેતા દંપતીએ દતક લીધાની સરસ મજાની વાત સામે આવી છે.
દીકરીને દતક લઇ દીપાવ્યું આંગણું
વાત છે રાજકોટના કાઠિયાવાડ બાલાશ્રમના આંગણે આવનાર દંપતીની કે જેઓએ આ બાલાશ્રમની તન્મય નામની બાર વર્ષની દીકરી કે જે લગભગ પાંચેક વર્ષ પહેલા રેલવે સ્ટેશન ઉપરથી મળી આવી હતી. આ દીકરીને દતક લઇ પોતાનું આંગણું દિપાવ્યું છે. આ દંપતી એટલેકે ઉમેશ શ્રીવાસ્તવ કે જેઓ દિલ્હીના વાતની છે અને તેમના પત્ની શિવનીબહેન જેઓ પટણાના વતની છે. મૂળ ભારતીય આ દંપતી છેલ્લા પંદરેક વર્ષોથી અમેરિકામાં સ્થાયી થયા છે. ઉમેશભાઈ કમ્પ્યુટર એન્જિનિયર છે જ્યારે શિવાની બહેન અમેરિકા ખાતે એક શિક્ષિકા તરીકે કાર્યરત છે. આ દંપતીને સંતાનમાં એક પુત્ર આરહંત પણ છે. પરંતુ દીકરી વગરનું આંગણું સુનું લગતા આ દંપતિએ એક ઇન્ટનેશનલ એજન્સીના મારફત કાઠિયાવાડી બાલાશ્રમનો સંપર્ક કરી એક દીકરીને દતક લીધી છે. દંપતી જણાવે છે કે, અમુક કારણોસર તેઓ દીકરીને દતક નહોતા લઇ શક્યા પરંતુ હવે તેઓની મનોકામના ફળી છે.
દીકરી તન્મય બની આહના શ્રીવાસ્તવ
૧૨વર્ષની દીકરી તન્મયને દતક લઇ શ્રીવાસ્તવ દંપતિએ તન્મયને આહના જેવું સરસ મજાનું નામ આપ્યું છે. એટલે હવે દીકરી તન્મય હવે આહના શ્રીવાસ્તવ તરીકે ઓળખાશે. દીકરીને દતક લીધા બાદ શ્રીવાસ્તવ દંપતી ખુબ જ હર્ષની લાગણી અનુભવી રહ્યા છે. ત્યારે દીકરા અરહંતને પણ બહેન મળ્યાનો અનેરો આનંદ છે. તો આ તકે દીકરી તન્મય પણ કાઠિયાવાડી બાલાશ્રમની યાદોને વાગોળતા જણાવે છે કે, આ બાલાશ્રમમાં તે છેલ્લા ૫ વર્ષથી છે અને એક સગી દીકરી કરતા પણ વિશેષ રીતે તેનો ઉછેર થઈ રહ્યો હતો અને ખુબ જ સરસ રીતે પોતાનું ભરણપોષણ આ સંસ્થામાં કરવામાં આવ્યું તે વાત દીકરીએ ભાવુક બની જણાવી હતી.
કાઠિયાવાડી બાલાશ્રમનમાંથી અત્યાર સુધીમાં લગભગ સાડા ત્રણસો જેટલા બાળકોને વિદેશી દંપતિએ દતક લીધા છે. ટુંક સમયમાં શિવ નામના બાળકને પણ વિદેશી યુગલ દતક લેનાર છે. આજના યુગમાં જ્યારે માતા-પિતા પોતાના સગા સંતાનને તરછોડતા નથી અચકાતા ત્યારે આવા કિસ્સાઓ સાંભળીને થાયના હજુય માણસાઈ સાવ મરી પરવારી નથી.