જૂનાગઢમાં પુર્વ આરોગ્યમંત્રી હેમાબેન આચાર્યને મકાન લીધાના ૧૦ વર્ષ પછી પણ પ્રોપર્ટી કાર્ડ ન મળ્યું

0

જૂનાગઢમાં રહેતા પૂર્વ આરોગ્યમંત્રી હેમાબેન આચાર્યને મકાન લીધાના ૧૦ વર્ષ પછી પણ પ્રોપર્ટી કાર્ડ મળ્યું ન હોય સરકારી કામગીરીની ઢિલાશ સામે રોષ વ્યકત કર્યો હતો. સાથે કામનું ભારણ વધારે હોવાના કારણે કામ થતું ન હોય અધિકારીઓ ઉપરનું કામનું ભારણ ઘટાડવા પણ સરકારે ધ્યાન દેવું જાેઇએ તેવું જણાવ્યું હતું. આ અંગે પૂર્વ આરોગ્યમંત્રી હેમાબેન આચાર્યએ જણાવ્યું હતું કે, મે ૨૦૧૩માં ફ્લેટ લીધો હતો. જેનું પ્રોપર્ટી કાર્ડ હજુ સુધી મળ્યું નથી ! આ માટે અમારા વકીલ દ્વારા તપાસ કરતા જાણવા મળ્યું કે, રજીસ્ટ્રાર પાસે એક કરતા વધુ(૭) જિલ્લાનો ચાર્જ છે ! ત્યારે જ્યારે નિશ્ચિત કામ કરતા કામનું ભારણ વધી જાય તો કામગીરી ઉપર અસર થાય તે સ્વાભાવિક જ છે. જાેકે, તેનો ભોગ પ્રજાએ બનવું પડે છે. શા માટે રેગ્યુલર અધિકારીની ભરતી નથી કરાતી ? શા માટે ઇન્ચાર્જથી ગાડું ગબડાવવામાં આવે છે ? એક તરફ ડિઝીટલ ઇન્ડિયાની વાતો થાય છે, સંવેદન શીલ અને ગતિશીલ ગુજરાતની વાતો થાય છે અને સામાન્ય પ્રોપર્ટી કાર્ડ મેળવવામાં એક દાયકો પસાર થઇ જાય તો પણ કાર્ડ મળતા નથી. આ શાસનની ગંભીર ક્ષતિઓ છે. મારી(ભાજપની) સરકાર હોય છતાં મારે બોલવું પડે છે તે મારા માટે અને સરકાર બન્ને માટે શરમજનક છેે. ભ્રષ્ટાચારનું મૂળ પણ કામનું ભારણ છે. ૮ના બદલે ૧૨ કલાક કામગીરી વધે અને આવક ન વધે તો માણસ ભ્રષ્ટાચાર કરવા મજબૂર બને છે. પૂર્વ આરોગ્યમંત્રીને ૧૦ વર્ષ પછી અને અનેક ધક્કા ખાવા પછી પણ એક પ્રોપર્ટી કાર્ડ ન મળતું હોય તો સામાન્ય વ્યક્તિની સ્થિતી શું થતી હશે તે તો કલ્પી ન શકાય તેવી જ હોવાની.
કામ ન થવાના ૩ કારણ
પ્રજાના કામ ન થવા પાછળના ૩ કારણો છે. એક તો કામનું ભારણ વધુ છેે. બીજું સરકારનો અધિકારીઓ ઉપર કન્ટ્રોલ રહ્યો નથી. ત્રીજું મહત્વનું કારણ છે મિટીંગો. મિટીંગોમાંથી ફ્રિ થાય તો કામો કરેને ?
છેવાડાના માનવી સુધી ક્યારે પહોંચશે ?
નેતાઓ ભાષણમાં હંમેશા કહે છે કે, છેવાડાના માનવી સુધી યોજનાનો લાભ પહોંચાડવો છે. તો પછી છેવાડાના માનવી સુધી આ લાભ પહોંચતો કેમ નથી ? તેની અમલવારી શા માટે થતી નથી ?
શા માટે જરૂરી હોય છે પ્રોપર્ટીકાર્ડ ?
પ્રોપર્ટી કાર્ડ હોય તેનો મતલબ તમારી મિલ્કત ટાઇટલ ક્લીયર ગણાય. જાે ટાઇટલ ક્લીયર ન હોય એટલે કે માની લો કે પેશકદમી કરી છે તો પ્રોપર્ટી કાર્ડ ન મળે. પ્રોપર્ટી કાર્ડ બાદ લોન લઇ શકાય, વારસાઇ એન્ટ્રી પડાવી શકાય. પ્રોપર્ટી કાર્ડ વિના મિલ્કતનું વેંચાણ, ખરીદ ન થઇ શકે.

error: Content is protected !!