માંગરોળમાં કેટલાક દિવસથી ઠેર ઠેર ગંદકી, ઉકરડાની ઉઠેલી ફરીયાદો વચ્ચે બસ સ્ટેન્ડના વેરાવળ રોડ ઉપરના પ્રવેશદ્વારે જ છેલ્લા એકાદ અઠવાડીયાથી કચરાનો ઢગલો ખડકાયો છે. પરંતુ પાલિકાતંત્રને તેને દુર કરવાની જાણે કે ફુરસદ જ નથી ! એક તરફ હાલમાં જ સેવાકીય પ્રવૃતિઓ કરતા એક ટ્રસ્ટ દ્વારા એસ.ટી.ના કંપાઉન્ડમાં વોલ પેઇન્ટિંગની સુંદર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકોમાં જાગૃતિ આવે તે માટે સ્પર્ધકોએ કલાકોની મહેનત બાદ સ્વચ્છતા, ધુમ્રપાન, બેટી બચાવો સહિતના સમાજને સ્પર્શતા મુદ્દાઓ ઉપર ચિત્રો તૈયાર કર્યા હતા. પરંતુ અહીંથી તદન નજીક એવું એસ.ટી.નું પ્રવેશદ્વાર જ કચરાનો પોઈન્ટ હોય તેવું પ્રતિત થઈ રહ્યું છે. બહારથી આવતા મુસાફરોનું સ્વાગત કરતા આ કચરાના ઢગલાને દુર કરવા એક સામાજીક કાર્યકરે ન.પા. તંત્રને અનેક મૌખિક રજૂઆતો કરી છે. પરંતુ હજુ સુધી કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. ત્યારે આ ઉકરડો તાકીદે દુર કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.