માંગરોળમાં પાણી પ્રશ્ને નારેબાજી સાથે સુત્રોચ્ચાર

0

માંગરોળની ધૈર્યવાન પ્રજાની સહનશીલતા કાબિલેદાદ છે. સમગ્ર શહેરમાં પાણીની કારમી તંગીને લઈ લોકોમાં બૂમરાડ ઉઠી હોવા છતાં તંત્રને રજુઆત માટે કેટલાક સંગઠનો અને મહિલાઓ સહિત ગણ્યા ગાંઠ્‌યા લોકો જ હાજર રહ્યા હતા. જાે કે ઉપસ્થિત લોકોએ પાણી પ્રશ્ને તંત્ર સમક્ષ નારેબાજી કરી ભારે આક્રોશ ઠાલવ્યો હતો. શહેરમાં પાણીનો પ્રશ્ન પેચીદો બન્યો છે. ન.પા.ના કુવાઓમાં પાણી ખુટી જતા પા.પુ. બોર્ડ દ્વારા મહીં પરીએજ લાઈન મારફતે ઓઝત વિઅર ડેમમાંથી શહેરને અપાતું પાણી જરૂરીયાતના પ્રમાણમાં ખુબ ઓછું છે. પરિણામે આઠ, નવ દિવસે થતાં પાણી વિતરણથી લોકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. પ્રાથમિક જરૂરિયાત અંગે રાબેતા મુજબ અપાતા ઠાલાં વચનોથી લોકોનો હવે તંત્ર પરથી વિશ્વાસ ઉઠી ગયો હોય તેવી સ્થિતિ છે. ત્યારે મામલતદાર અને ન.પા.ચીફ ઓફિસરને સંજીવની નેચર ફાઉન્ડેશન, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, જીવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ, વંદેમાતરમ્‌ ગ્રુપ, સાગરખેડુ મત્સ્યોદ્યોગ સેવા સહકારી મંડળી લી. સહિતના સંગઠનોના હોદેદારો, મહીલાઓ સહિતના લોકોએ આવેદન પાઠવ્યું હતું. ૮૦ હજારથી એકાદ લાખની વસ્તીને સ્પર્શતા પાણીના મુદ્દે મહીલાઓએ ન.પા. હાય..હાય… અને પાણી આપો, પાણી આપો..ના સુત્રોચ્ચાર કર્યા હતા. આ ઉપરાંત સફાઈની કથળેલી વ્યવસ્થા મુદ્દે પણ આક્રોશ વ્યક્ત કર્યો હતો. જાે કે લોકોના પ્રશ્ને એક પણ રાજકીય આગેવાન ડોકાયા ન હતા. આગામી સમયમાં ન.પા.ની ચુંટણી આવી રહી છે. ત્યારે પાણીના પ્રશ્ને પીડાતી પ્રજા કેવો રૂખ અપનાવે છે ? તે જાેવાનું રહેશે.

error: Content is protected !!