‘‘રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ’’ અનેક બાળકો માટે વરદાનરૂપ સાબિત થયો છે. જે અંતર્ગત જેતપુરની વૈદિશાને વિનામૂલ્યે જન્મજાત હૃદયની ખામીને દૂર કરાઇ છે. રાજકોટ જિલ્લાના જેતપુર શહેરના ખીમાભાઇ ધરાગિયાની અઢી વર્ષની દીકરી વૈદિશાને સ્તનપાન વખતે શ્વાસ લેવામાં તકલીફ અને પરસેવાની તકલીફ જણાતા તેઓ નજીકના આંગણવાડી કેન્દ્રમા ગયા. આર.બી.એસ.કે. ટીમના ડો.જયેશ પાઘડાર અને ડો. રાધિકા હીરપરાએ બાળકીનું સ્ક્રિનિંગ કરતા હૃદયમાં કઈક ખામી જણાતા વૈદિશાને પી.ડી.યુ.હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવી. જયાં તજજ્ઞ ડોક્ટરની ટીમને હૃદય અને ફેફસામાં લોહી પરિભ્રમણની ખામી જણાતાં વૈદિશાને વિનામુલ્યે સારવાર માટે આરોગ્ય શાખા જિલ્લા પંચાયત રાજકોટ ખાતે મોકલી, ત્યાથી સંદર્ભ કાર્ડ ભરી યુ.એન. મહેતા હોસ્પિટલ, અમદાવાદ ખાતે રીફર કરવામાં આવી. જ્યાં નિષ્ણાંત તબીબોએ આ બાળકીને કોરોનરી હાર્ટ ડિસિઝ અને ટેટ્રોલોજી ઓફ ફેલોટ હોવાનું નિદાન કરી આર.બી.એસ.કે. કાર્યક્રમ અંતર્ગત તમામ સારવાર અને સર્જરી તાત્કાલિક વિના મૂલ્યે કરી આપી, જેના પરિણામે હાલ આ બાળકી એકદમ તંદુરસ્ત છે. આ સમગ્ર પ્રક્રિયામાં આર.બી.એસ.કે. ટીમ અને યુ.એન. મહેતા હોસ્પિટલના ડોક્ટરો સતત માર્ગદર્શક અને સહાયરૂપ બન્યા તેમના પ્રત્યે વૈદિશાના પરિવારજનોએ આભાર વ્યક્ત કર્યો હતો.