જિલ્લાના ૪૦ ગામડાઓના ૬૫ લાભાર્થીને આવાસરૂપે મળ્યું ખુશીઓનું સરનામું સાધતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં લોધિકા ખાતે જિલ્લા કક્ષાનો “અમૃત આવાસોત્સવ” કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના લોધિકાના લાભાર્થી પારૂલબેન રૂપેશભાઈ ગોહેલે વડાપ્રધાન મોદી સાથે ડિજિટલ માધ્યમ થકી સીધો સંવાદ સાધ્યો હતો. વડાપ્રધાન મોદીને ‘‘જયશ્રી કૃષ્ણ’’ સાથે આવકારીને લાભાર્થી પારૂલબેન ગોહેલે નરેન્દ્રભાઈ મોદીનો આભાર માન્યો હતો. વડાપ્રધાનએ ઘરના મોભીની જેમ વાતચીત કરતા કહ્યું હતું કે, ઘરના ઘરનું સ્વપ્ન પૂરૂ થયું તો કેવું લાગી રહ્યું છે ? લાભાર્થી પારૂલબેનએ કહ્યું હતું કે, ઘરના ઘરનું સ્વપ્ન પૂર્ણ થતા હું અને મારો પરિવાર ખૂબ ખુશ છીએ. વડાપ્રધાનએ પારૂલબેનને સમાજસેવા કરવાની પ્રેરણા આપતા કહ્યું હતું કે, આપણી આસપાસ રહેતા લોકોને સ્વચ્છતા જાળવવા, પાણીનો સદુપયોગ કરવા, વીજળી બચાવવા અને વૃક્ષ વાવવા લોકોને જાગૃત કરવા જાેઈએ. સરકારે તમારા માટે કામ કર્યું તો હવે તમારે સમાજ માટે આટલું કરવાનું છે. લાભાર્થી પારૂલબેને વડાપ્રધાનની આ ઈચ્છાને પૂર્ણ કરવા હામી ભરી હતી અને પોતાનાથી શક્ય એટલી જાગૃતિ સમાજમાં ફેલાવશે તેમ કહ્યું હતું. આ પ્રસંગે લોકસભાના સાંસદ મોહનભાઈ કુંડારિયાએ આવાસ મેળવનાર લાભાર્થીને શુભેચ્છા પાઠવતાં જણાવ્યું હતું કે, સામાન્ય ઘરમાંથી સારા ઘરમાં પ્રવેશની સાથે નાગરિકોના જીવનમાં ખુશીઓનો પણ પ્રવેશ થયો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું છેવાડાના દરેક માનવીને ઘરનું ઘર આપવાનું સ્વપ્ન ગુજરાત પૂરતું સીમિત ન રહેતાં પૂરા દેશમાં અમલી બની રહયું છે. “અમૃત આવાસોત્સવ આનંદનો ઉત્સવ બન્યો છે, જેના ભાગરૂપે રાજ્યભરમાં રૂા.૧૯૪૬ કરોડના ખર્ચે ૪૨,૪૪૧ આવાસોના ગૃહ પ્રવેશ, લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયા છે. ત્યારે રાજકોટ જિલ્લાના ઘરવિહોણા દરેક નાગરિકને ઘરનું ઘર મળે તે માટે વહીવટી તંત્રના પ્રતિબધ્ધ પ્રયાસોને લીધે ઘરવિહોણા વંચિતોને પાકા મકાન મળી શકયા છે. અને રાજકોટનાં ૪૦ ગામડાઓના ૬૫ લાભાર્થીઓને ઘરનું ઘર મળ્યું છે. આ વેળાએ સંસદસભ્ય રામભાઈ મોકરીયાએ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, ઉત્કૃષ્ટ યુગમાં જીવતા છેવાડાના માનવીઓનો વિકાસ થઈ રહ્યો છે. અને ઘરવિહોણા લોકોને સુવિધાયુક્ત આવાસો પ્રાપ્ત થઈ રહ્યા છે. વંચિતોના વિકાસ માટે સતત પ્રયત્નશીલ એવા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાત સતત વિકાસ કરી રહ્યું છે. આ પ્રસંગે કલેકટર પ્રભવ જાેશી તથા જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીએ આવાસના લાભાર્થી પારૂલબેન ગોહેલ અને તેમના પરિવારને અભિનંદન પાઠવ્યાં હતા. તથા પ્રાસંગિક પ્રવચનમાં રાજયસરકારની વિવિધ લોકકલ્યાણલક્ષી યોજનાઓનો લાભ લેવા ઉપસ્થિતોને અનુરોધ કર્યો હતો. દીપ પ્રાગટ્યથી કાર્યક્રમની શરૂઆત થયા બાદ મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરાયું હતું. આ તકે ઉપસ્થિત સર્વે મહાનુભાવો અને ગ્રામજનોએ ડિજિટલ માધ્યમ થકી વડાપ્રધાનને સાંભળ્યા હતા. તેમજ સર્વે મહાનુભાવોએ લાભાર્થી પારૂલબેનના ઘરને નિહાળ્યું હતું.