આનંદો : જુનના પ્રથમ સપ્તાહમાં ચોમાસું સક્રિય થશે અને બીજા સપ્તાહમાં વરસાદની આગાહી

0

ગઈકાલે શુક્રવારે જૂનાગઢ સહિત સોરઠ અને સૌરાષ્ટ્રમાં ભારે પવન સાથે લુ ફેંકાતા જન જીવન પ્રભાવીત

છેલ્લા એક માસ ઉપરાંતથી ગરમીના આક્રમણની સામે પ્રભાવિત થયેલા જન જીવનને હવે ગરમીના દિવસો ટુંક સમયમાં પુરા થવાના છે તેવા સારા સમાચાર મળી રહ્યા છે. આગામી જુનના પ્રથમ સપ્તાહમાં ચોમાસું સક્રિય બનાવાનું છે અને જુનના બીજા સપ્તાહથી વરસાદની શરૂઆત થવાની હવામાન વિભાગે આગાહી કરી છે.
ઉનાળાના સખ્ત ગરમીના આક્રમણ વચ્ચે હાલ જન જીવન ખુબ જ પ્રભાવિત થયું છે. ગઈકાલે એક જ દિવસમાં તાપમાનનો પારો ૧.૮ ડિગ્રી વધી જતા તાપમાનનો પારો ૪૦.૩ ડિગ્રીએ પહોંચી ગયો હતો અને ૮ કિલોમીટરની ઝડપે પવન સાથે લુ ફેંકાતા સખ્ત ગરમી વચ્ચે લોકો અકળાયા હતા. જૂનાગઢ શહેરમાં છેલ્લા કેટલાય દિવસથી ગરમીમાં આંશીક ઘટાડો થયો હતો પરંતુ ગઈકાલે શુક્રવારે ગરમીનો પારો ૪૦.૩ ડિગ્રી પહોંચી ગયો હતો અને આ સાથે જ પવન સાથે લુ ફેંકાઈ હતી. જેના કારણે બપોરના સમયે અંગ દઝાડતી ગરમી વચ્ચે જન જીવન પ્રભાવિત બન્યું હતું. અંગ દઝાડતી આ ગરમી વચ્ચે રસ્તા ઉપરથી પસાર થવું કે વાહન લઈને પસાર થવું ભારે મુશ્કેલ બન્યું હતું. લુથીબચવા લોકોએ પહેરેલા ચશ્મા, ટોપી, મોઢે બાંધેલા કપડા, હાથ મોજા પણ કારગત નિવડયા ન હતા અને અંગ દઝાડતી ગરમીથી લોકો ત્રસ્ત બની ગયા હતા. મોટાભાગના લોકો લુથી બચવા બારી બારણા બંધ કરી દીધા હતા અને ઘરમાં જ રહેવાનું મુનાસીબ માન્યું હતું. ગરમીના આ દિવસોમાં એસી તથા પંખા તથા કુલરનો ખુબ જ ઉપયોગ થવા પામ્યો છે. ગઈકાલે ૪૦.૩ ડિગ્રી ગરમી પડી હતી. ભેજનું પ્રમાણ ૮૦ ટકા અને બપોરના સમયે ૩૭ ટકા તેમજ પવનની ઝડપ ૮ કિલોમીટર પ્રતિ કલાકની રહેવા પામી હતી. આ વખતનો ઉનાળો આગ બનીને વરસ્યો છે ત્યારે લોકોને ભારે હાલાકી પડી રહી છે. લુ લાગવાના બનાવો, તાવ સહિતના રોગચાળો પણ વ્યાપક બની રહ્યો છે. ઘણા કેસો નોંધાયા છે. દરમ્યાન ગરમીના દિવસો હવે અંતિમ તબક્કામાં પહોંચી ગયા હોવાનું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના હવામાન વિભાગના ધિમંત વઘાસીયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, મે માસ પુરો થતા જ જુનના પ્રથમ સપ્તાહમાં ચોમાસું સક્રિય થશે અને બીજા સપ્તાહમાં વરસાદની સંભાવના છે. આમ આ વર્ષે પણ ચોમાસાનો વર્ષો જુનો રેકોર્ડ કે ૧પ જુનની આસપાસ દર વર્ષે ચોમાસુ બેસી જતું હોય આ વર્ષે પણ જુનના બીજા સપ્તાહથી વરસાદની શરૂઆત થવાની આગાહી કરવામાં આવી છે.

error: Content is protected !!