કલ્યાણપુરમાં દાખલો કાઢી આપવા માટે તલાટી દ્વારા તોતિંગ રકમની માંગણી કરતા એસીબીની ઝપટમાં

0

રૂા.સવા લાખની લાંચ લેતા મહિલા તલાટીનો વચેટિયો રંગે હાથ ઝડપાયો

કલ્યાણપુર તાલુકાના ખીરસરા ગામના મહિલા તલાટીએ એક આસામી પાસે દાખલો કાઢવા માટે રૂપિયા બે લાખની રકમ માંગતા આ અંગે જાગૃત નાગરિક દ્વારા એ.સી.બી.નો સંપર્ક કરી, મહિલા તલાટી વતી રૂપિયા સવા લાખની લાંચ લેતા વચેટીયા તેમજ ત્યાર બાદ તલાટીને એસીબી પોલીસે દબોચી લીધા હતા. આ સમગ્ર પ્રકરણની એસીબી સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ જામ કલ્યાણપુર તાલુકાના ખીરસરા ગામે રહેતા એક આસામીના પિતાના નામનો ખીરસરા ગામમાં આવેલો પ્લોટ નંબર ૨૯ કે જેનો ગામ નમુના નંબર ૨ નો દાખલો કઢાવવા માટે આ ગામના તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા વર્ગ ત્રણના અધિકારી હર્ષાબેન આલાભાઈ કારેણા (ઉ. વ. ૩૪, રહે. જામ ખીરસરા, તા. કલ્યાણપુર) નો સંપર્ક કર્યો હતો. જેમાં તલાટી દ્વારા આ દાખલો કાઢી આપવા માટે રૂપિયા બે લાખની લાંચની રકમની માંગણી કરી હતી. આ પછી રકઝકના અંતે રૂપિયા સવા લાખ આપવાનું નક્કી થયું હતું. આ પ્રકરણમાં અરજદાર આસામી દ્વારા દેવભૂમિ દ્વારકા એન્ટી કરપ્શન બ્યુરો પોલીસ મથકનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જે અંગેની ફરિયાદ ઉપરથી એસીબી સ્ટાફ દ્વારા લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. આ પ્રકરણમાં કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે જયસુખ ઉર્ફે જલો અરજણભાઈ પીપરોતર (રહે. જામ ખીરસરા)ની એક ઈલેક્ટ્રીકની દુકાનની બહારના ઓટલા ઉપર ફરિયાદી આસામી દ્વારા તલાટીને આપવા માટેની રૂપિયા સવા લાખની લાંચની રકમ હેતુલક્ષી વાતચીત થયા બાદ દુકાનદાર જયસુખભાઈ ઉર્ફે જલો પીપરોતરને આપવામાં આવતા તરત એસીબી પોલીસ પ્રગટ થઈ હતી અને આ શખ્સને ઝડપી લીધો હતો. આ પછી તુરત જ તલાટી મંત્રી હર્ષાબેન આલાભાઈ કારેણાના રહેણાંક મકાનમાં એસીબી પોલીસે પહોંચી જઈ, ત્યાંથી મહિલા તલાટીની અટકાયત કરવામાં આવી હતી. રાજકોટના એસીબી એકમના મદદનીશ નિયામક વી.કે. પંડ્યાના માર્ગદર્શન હેઠળ દેવભૂમિ દ્વારકા જિલ્લાના પી.આઈ. આર.એમ. રાઠોડ દ્વારા મહિલા તલાટી સહિત બંનેની અટકાયત કરી, લાંચ રૂશ્વત ધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. એ.સી.બી. ટ્રેપની આ કાર્યવાહીથી કલ્યાણપુર તાલુકા સાથે સમગ્ર જિલ્લામાં લંચ લેતા તત્વોમાં ફફડાટ મચી જવા પામ્યો છે.

error: Content is protected !!