માંગરોળમાં સફાઈ વ્યવસ્થા તેમજ કચરા એકત્રિત કરવાની વ્યવસ્થા ખાડે : પબ્લિક પરેશાન

0

માંગરોળમાં સફાઈ વ્યવસ્થા તદ્દન ખાડે ગઈ છે. શહેરના અનેક વિસ્તારોમાં કચરાના પોઈન્ટ ઉપરથી દિવસો સુધી કચરો ન ઉપડતા ઠેર ઠેર ગંદકીના ગંજ ખડકાયા છે. એકત્ર થયેલા ઉકરડામાંથી ઉઠતી તીવ્ર દુર્ગંધથી રોગચાળોનો ખતરો તોળાઈ રહ્યો છે. ત્યારે આઉટસોર્સિંગ સફાઈ કામદારોને એજન્સી પગાર ચુકવવામાં અખાડા કરતી હોવાના આક્ષેપ અને પગાર વધારાની માંગ સાથે સફાઈ કર્મીઓએ ન.પા. હાય.. હાય..ના સુત્રોચ્ચાર કર્યા હતા. શહેરમાં છેલ્લા કેટલાય સમયથી સફાઈની અનિયમિતતા બાબતે લોકોમાં ભારે નારાજગી પ્રવર્તી રહી છે. ચોમેર ગંદકીથી લોકોનું સ્વાસ્થ્ય જાેખમાઈ રહ્યું છે. ગંદકીની સમસ્યા જાણે કે ઘર કરી ગઈ છે. હાલ ન.પા.ના ૧૫ થી ૨૦ જેટલા કાયમી અને આઉટસોર્સિંગના ૧૦૦ જેટલા સફાઈ કામદારો છે. પરંતુ એજન્સીએ બે માસનો પગાર ન ચુક્વ્યો હોવાના આક્ષેપ સાથે આઉટસોર્સિંગના મોટાભાગના કર્મચારીઓ કામગીરીથી અળગા રહેતા શહેર તથા બંદર સફાઈ માટે માત્ર ૩૦ થી ૩૫ જેટલા કર્મીઓથી ગાડું ગબડાવાઈ રહ્યું છે !ં પુરતા સફાઈની કર્મીઓના અભાવે ડોર ટુ ડોર કચરો એકત્ર કરવાની વ્યવસ્થા ખોરંભાઈ જતા ત્રણ થી પાંચ દિવસે કચરો એકત્ર કરવામાં આવી રહ્યો છે અને નગરપાલિકા ઓફીસ પાસે જ શિરાજ રોડ ઉપર તો છેલ્લા ૧૪ દિવસથી એકત્રીત કરનાર વાહન આવેલ નથી. પરિણામે અમુક વિસ્તારોમાં તો નર્કાગાર જેવી સ્થિતિ સર્જાઈ છે. કથળેલી સફાઈ વ્યવસ્થા અંગે આપ પાર્ટીએ ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી છે. જેમાં જણાવાયું છે કે સફાઈકર્મીઓનું નવું મંજુર મહેકમ ૧૧૫ કર્મીઓનું છે. જે પૈકી ૨૩ જેટલા ફરજ ઉપર છે. ૩૫ જેટલી જગ્યાઓ માટે એકાદ વર્ષ પહેલાં નિયમોનુસાર અરજીઓ મંગાવાઈ હતી. પરંતુ આજદિન સુધી ઇન્ટરવ્યુની પ્રક્રિયા હાથ ધરવામાં આવી નથી. આ ઉપરાંત ન.પા.એ લાગુ કરેલ કોન્ટ્રાકટર પધ્ધતિમાં નિયત એજન્સી દ્વારા કામે રખાયેલ સફાઈ કામદારોને સરકારે નિયત કરેલા લઘુતમ વેતનથી અડધું વેતન આપી આર્થિક શોષણ કરવામાં આવતું હોવાનો આક્ષેપ કરાયો છે. ત્યારે પ્રજા પાસેથી સફાઈ વેરો ઉઘરાવતી અને પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં ઉણી ઉતરતી નગરપાલિકા લોકોના આરોગ્ય પ્રશ્ને ગંભીર બને તેવી માંગ ઉઠી છે.

error: Content is protected !!