જૂનાગઢ ભવનાથમાં યોજાયેલા સમુહ લગ્નોત્સવમાં કરીયાવર પ્રશ્ને હોબાળો થયો

0

આયોજકો દ્વારા આખરે કરીયાવરનો સામાન મંગાવી આપતા મામલો શાંત થયો હતો

જૂનાગઢના ભવનાથમાં માનવસેવા ગ્રુપ દ્વારા આયોજિત સમૂહલગ્નમાં ગઈકાલે નવદંપતીઓને સમયસર કરિયાવર ન મળતાં ભારે ધમાલ મચી હતી. લગ્નમંડપમાં લગ્નગીત શાંત થયાં બાદ તરત જ આયોજક સામે સૂત્રોચ્ચાર શરૂ થઈ ગયા હતા. સમૂહલગ્નમાં એક યુગલ પાસેથી ૨૨ હજાર રૂપિયાની ફી લઈને કરિયાવર આપવાની વાત કરાયા બાદ એ ન અપાતાં નવદંપતી વીફર્યાં હતાં. તો બીજી તરફ આયોજકો કરિયાવર આવી જ રહ્યો હોવાની વાત કરી મામલો શાંત પાડવાનો પ્રયાસ કરતા જાેવા મળ્યા હતા. આ અંગે મળતી વિગત અનુસાર ગઈકાલે યોજાયેલા સમૂહલગ્નમાં દીકરા-દીકરીઓને પરણાવવા માટે આવેલા વાલીઓએ કહ્યું હતું કે અમને લોકોને આયોજકો દ્વારા ૧૫ તારીખે જ કરિયાવર લઈ જવાનું કહ્યું હતું, પરંતુ ત્યાર બાદ આજકાલ-આજકાલ કરતા રહ્યા હતા. લગ્નનો દિવસ આવી જતાં અમારી ચિંતા વધી હતી કે લગ્ન થશે કે નહીં. અત્યારે જાનની વિદાયનો સમય થઈ ગયો હોવા છતાં કરિયાવર મળ્યો નથી. નવદપંતી પાસેથી આયોજકોએ સમૂહલગ્નમાં ફી માટે ૨૨ હજાર રૂપિયા લેવામાં આવ્યા હતા. સમૂહલગ્નની જ્યારે જાહેરાત કરવામાં આવી ત્યારે જ આયોજકો દ્વારા જાહેરાતમાં જ કરિયાવરમાં ૫૧ વસ્તુની યાદી છાપવામાં આવી હતી. દરમ્યાન સમૂહલગ્નમાં દીકરા-દીકરીઓને પરણાવવા માટે આવેલાં પરિવારજનો ભારે ગુસ્સે થયેલાં જાેવા મળ્યાં હતાં. તેમણે કહ્યું હતું કે સમૂહલગ્નમાં નોંધણી માટે એક વ્યક્તિ પાસેથી ૧૧ હજાર રૂપિયા લેવામાં આવ્યા હતા. ત્યાર બાદ અહીં સમૂહલગ્ન સમયે પણ દાનના નામે અમારા પાસેથી અલગ-અલગ રૂપિયા લેવામાં આવ્યા હતા. પૈસા લીધા બાદ પણ અમારા માટે કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવી. અમને અમારો કરિયાવર આપવામાં આવે તેવી માંગણી વ્યકત કરાઈ હતી. દરમ્યાન જૂનાગઢમાં શાંતિપૂર્વક ચાલી રહેલા સમૂહલગ્નમાં નવદંપતીઓનાં પરિવારજનો દ્વારા આયોજકો પાસે કરિયાવરની માંગણી કરી સૂત્રોચ્ચાર કરતાં થોડીવાર માટે વાતાવરણ તંગ બન્યું હતું અને આયોજકોને પરસેવો છૂટી ગયો હતો. આયોજકોએ કહ્યું હતું કે સામાન તૈયાર છે, વાહન આવે એટલે હમણાં સામાન આવી જશે, સાથે કહ્યું હતું કે અમારે ત્યાં એવો રિવાજ છે કે લગ્ન પૂર્ણ થયા બાદ કરિયાવર આપવામાં આવે. જ્યારે ટ્રસ્ટ મુદ્દે પૂછતાં કહ્યું હતું કે અમારૂ કોઈ ટ્રસ્ટ નથી કે કોઈ રજિસ્ટ્રેશન નંબર નથી. વિશેષમાં ફી લીધા બાદ યોગ્ય જમવાની વ્યવસ્થા પણ ન કરાયાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો. જયારે મયૂર રાઠોડ નામના વરરાજાએ કહ્યું હતું કે અશોકભાઈને ૨૨ હજાર રૂપિયા ફી ભરી હતી. કરિયાવર માટે અમને ચાર-પાંચ તારીખ આપી હતી, પણ હવે આ લોકો જવાબ આપતા નથી. અત્યારે મંડપમાં જેટલા બેઠા છે તે બધા ભૂખ્યા છે. જ્યારે એક દુલ્હનના ભાઈએ હૈયાવરાળ ઠાલવતાં કહ્યું હતું કે અમને રવિવારે જ અહીંથી કરિયાવર લઈ જવાનું કહ્યું હતું. અમે અહીં આવ્યા તો કહ્યું, ફર્નિચર લેવા કેશોદ જવાનું છે અને વાસણ લેવા બિલખા જવાનું છે તેવું જણાવ્યું હતું. આ સમુહ લગ્નમાં ૧૬ નવદંપતીઓ જાેડાયા હતા. આયોજક દ્વારા કન્યા પક્ષ પાસે ૧૧ હજાર અને વર પક્ષ પાસેથી ૧૧ હજાર મળી કુલ રર હજાર રૂપીયાની ફી લેવામાં આવી હતી. લગ્ન સંપન્ન થયા હતા અને જાન વિદાયનો સમય આવ્યો ત્યારે કરીયાવરનો કોઈ અતોપતો ન હોય જેને લઈને ભારે હોબાળો મચ્યો હતો અને આખરે આયોજકો દ્વારા કરીયાવરનો સામાન મંગાવી મામલો શાંત પાડવામાં આવ્યો હતો.

error: Content is protected !!