અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહીની ખાતરી
ખંભાળિયા તાલુકાના ચારબારા ગામે ગઈકાલે બુધવારે જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા ખાસ વિલેજ વિઝીટ કરવામાં આવી હતી. ખંભાળિયા તાલુકાના સલાયા પંથકમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા ઇન્સ્પેક્શન સાથે વિલેજ વિઝીટનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત બુધવારે સાંજે ખંભાળિયા નજીકના ચારબારા ગામે આવેલી પ્રાથમિક શાળા ખાતે તેમના દ્વારા ગામલોકો સાથે ખાસ મુલાકાત કરવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન પોલીસ અધિક્ષક દ્વારા આ વિસ્તારમાં દારૂ, જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ અંગે પોલીસને જાણ કરવા તેમજ વ્યાજખોર અને લુખ્ખા તત્વો તેમજ જમીન માફીયાઓ સામે નિર્ભીકપણે જાગૃત થઈ અને પોલીસનું ધ્યાન દોરવા ગ્રામજનોને અપીલ કરી હતી. આ મુલાકાત દરમ્યાન સ્થાનિક આગેવાન દેવુભા જાડેજા, ભરતસિંહ જાડેજા, ભીખુભા ઉમેદસંગ તેમજ ગામના સરપંચ અને ગ્રામજનોને જિલ્લા પોલીસ વડા સાથે સ્થાનિક પી.એસ.આઈ. વી.એમ. સિંગરખીયા દ્વારા કાયદો અને વ્યવસ્થા બાબતે તમામ રીતે સહકાર આપવા ખાતરી આપવામાં આવી હતી.