ગુજરાત પ્રદેશ ભાજપની સૂચના મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના માર્ગદર્શન હેઠળ ખંભાળિયા શહેર ભાજપ મંડલની કારોબારી અહીંના યોગ કેન્દ્ર ખાતે યોજવામાં આવી હતી. જેમાં પક્ષની પરંપરા મુજબ સાંઘીક ગીત વંદે માતરમનું ગાન કરવામાં આવ્યું હતું. આ કારોબારીમાં શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તન્ના દ્વારા સ્વાગત વિધિ કરવામાં આવી હતી. જેમાં ભાજપની ટીમ દ્વારા કરવામાં આવેલા વિવિધ કામો અંગેની માહિતી આપવામાં આવી હતી. આ સાથે આગામી કાર્યક્રમો વિશે જિલ્લા ભાજપના મહામંત્રી રસિકભાઈ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે સાથે જન સંપર્ક યાત્રાનું સંપૂર્ણ આયોજન અને કાર્યક્રમો વિશે સિનિયર આગેવાન પાલાભાઈ કરમુર દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત અહીંના ધારાસભ્ય અને ગુજરાતના કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરાએ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે કરેલા વિકાસ કાર્યો અને યોજના વિશે માર્ગદર્શન આપ્યું હતું. તેમજ આગામી સમયમાં ખંભાળિયા માટે અનેક યોજનાઓ આવી રહી હોવા અંગેની રૂપરેખા આપી હતી. આ બેઠકમાં હાલારના સાંસદ પૂનમબેન માડમ દ્વારા શહેર માટે કરવામાં આવેલા વિકાસ કાર્યોના યોગદાન, નવી રેલવે સુવિધાઓ વિગેરેની રૂપરેખા રજૂ કરવામાં આવી હતી. આગામી સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કેન્દ્રમાં નવ વર્ષ પૂર્ણ થતા તારીખ ૩૦ મે થી ૩૦ જૂન સુધી શહેરમાં કરવામાં આવનાર ઉજવણી અંગે ઉપસ્થિતોને માહિતગાર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે શહેર યુવા ભાજપની નવી ટીમ જાહેર કરવામાં આવી હતી. આ મંડલ કારોબારીમાં જિલ્લા ભાજપના આગેવાનો, શહેર ભાજપની ટીમ, નગરપાલિકા પ્રમુખ અને સદસ્યો, મોરચાના હોદેદારો, કારોબારી સમિતિના સક્રિય સદસ્યો ઉપરાંત સર્વે મોરચા સેલના હોદેદારો અને અપેક્ષીત કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શહેર ભાજપની આ કારોબારીને સફળ બનાવવા માટે શહેર ભાજપની ટીમ અને યુવા ટીમ દ્વારા જેહમત ઉઠાવવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શહેર ભાજપના મહામંત્રી ઈન્દ્રજીતસિંહ પરમાર અને મુકેશભાઈ કાનાણી દ્વારા કરવામાં આવ્યું હતું. આભાર વિધી મહામંત્રી પીયુષભાઈ કણજારીયા દ્વારા કરવામાં આવી હતી.