દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર અશોક શર્માના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઇ હતી. જનહિતના વિકાસ કામોને અગ્રતા આપી નિયત સમયમાં કામો પૂર્ણ કરવા તથા લોકોના પ્રશ્નોનું સમયમર્યાદામાં નિવારણ લાવવા અંગે આ બેઠકમાં સૂચનો કરવામાં આવ્યા હતા. આ બેઠકમાં વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓને રજૂ કરવામાં આવેલા પ્રશ્નોના પરસ્પર સંકલન અને વ્યવહારૂ અભિગમ અપનાવી લોકોના પ્રશ્નોને આયોજનબદ્ધ રીતે પૂર્ણ કરવા કેટલાક રચનાત્મક સૂચનો પણ કરાયા હતા. આ સાથે જન પ્રતિનિધિઓ દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નોની સમીક્ષા કર્યા બાદ સંકલન સહ ફરિયાદ સમિતિના વિવિધ પ્રશ્નોનું નિવાસી અધિક કલેકટર ભુપેશ જાેટાણીયા દ્વારા વાંચન કરવામાં આવ્યું હતું. કામગીરી અંગે સમીક્ષા કરતા જિલ્લાના વિવિધ વિભાગ સાથે સંકલનમાં રહીને જિલ્લામાં વહીવટ સરળ, સુગમ અને ઝડપી બને તે માટે કલેકટર દ્વારા કેટલાક રચનાત્મક સૂચનો કરીને અધિકારીઓને માર્ગદર્શન પૂરૂ પાડવામાં આવ્યું હતું. આ બેઠકમાં જિલ્લાં પંચાયત પ્રમુખ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.આર. પરમાર, ડી.વાય.એસ.પી. પરમાર, સહિત સંકલન સમિતિના તમામ અધિકારીઓ તથા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.