૫ જૂન પર્યાવરણ દિવસ પહેલા આપણી પાસે રહેલા ઈ-વેસ્ટનો યોગ્ય નિકાલ કરીને પર્યાવરણને બચાવીએ : રેસકોર્સ લોકવિજ્ઞાન કેન્દ્ર ખાતે શની-રવિવારે ઈ-વેસ્ટ કલેક્શન કેમ્પ યોજાશે

0

ઇલેક્ટ્રોનિક ઉપકરણો નકામાં બને ત્યારે વધતો કચરો એટલે ઈ-વેસ્ટ. કમ્પ્યૂટર, લેપટોપ, મોબાઈલ,ટી.વી., રીમોટ, ચાર્જર, બેટરી, ઈલેક્ટ્રોનિક સ્પેર પાર્ટ વગેરે ઈલેક્ટ્રોનિક સાધનોની બનાવટમાં ઝેરી ધાતુઓનો ઉપયોગ કરવવામાં આવે છે. સાધનોના ઉપયોગમાં કોઈને હાની પહોંચતી નથી. પરંતુ, સાધન ઈ-વેસ્ટ બને અને તેની તોડફોડ થાય એટલે તેમાં રહેલી સીસું, પારો, કેડમિયમ અને ક્રોમિયમ જેવી હાનિકારક ધાતુઓ હવા કે પાણી કે મનુષ્યોના સંપર્કમાં આવીને નુકસાન કરી શકે છે. ધાતુઓ જમીનમાં ભળી પાણીને પ્રદુષિત કરે, ખુલ્લામાં રહે તો હવા પ્રદૂષિત થાય અને ભંગારમાં જાય તો તેની સાથે કામ કરતાં લોકોના સ્વાસ્થ્યને અસર કરે છે. ભંગારમાં જતા ઈ-વેસ્ટનો મોટેભાગે ગેરકાયદેસર રીતે પર્યાવરણને નુકસાનકર્તા પદ્ધતિઓથી નિકાલ થતો હોય છે. ભારતના વધતા જતા ઈલેક્ટ્રોનિક માર્કેટની સાથે ઈ-વેસ્ટ અંગે જાગૃતિ કેળવવી અને ઈ-વેસ્ટ મેનેજમેન્ટ જરૂરી બન્યું છે. ઈ-વેસ્ટ સામાન્ય કચરાની જેમ જ્યાં ત્યાં પહોંચી હાનિકારક પ્રદૂષણ ન ફેલાવે તે માટે ઈ-વેસ્ટનો યોગ્ય નિકાલ થાય તે જરૂરી છે. ત્યારે, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આ માટે એક પહેલ રૂપે ઈ-વેસ્ટ કલેક્શન અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. રેસકોર્સ લોકવિજ્ઞાન કેન્દ્ર ખાતે તા.૩ અને ૪ જુનના દિવસે સવારે ૧૦ થી સાંજે ૬ સુધી ઈ-વેસ્ટ કલેક્શન કેમ્પમાં ઉપરોક્ત પ્રકારના ઈ-વેસ્ટ સ્વીકારવામાં આવશે. નાગરિકો ઈ-વેસ્ટને ભંગાર કે કચરામાં ન આપીને અહીં જમા કરાવી શકશે. આ અંગે વધુ માહિતી માટે ૦૨૮૧-૨૪૪૯૯૪૦ ઉપર સંપર્ક કરી શકાશે તેમ લોક વિજ્ઞાન કેન્દ્રના નિયામક રમેશભાઈ ભાયાણી દ્વારા જણાવાયુ છે.

error: Content is protected !!