જૂનાગઢને ઉદ્યોગ અપાવી દેવાની ક્ષમતા કે લાયકાત કોઈ કહેવાતા નેતામાં ન હોવાની પ્રજાની ફરિયાદ
ગુજરાત રાજયનું મહત્વનું શહેર અને ઐતિહાસિક રીતે પણ દેશભરમાં પ્રખ્યાત એવા જૂનાગઢ શહેરની હાલત ખુબ જ વિસમ છે. પ્રવાસનની દ્રષ્ટીએ પણ જૂનાગઢનો દબદબો છે પરંતુ કોઈ મોટા ઉદ્યોગ ન હોવાના કારણે આ શહેરની હાલત ખાયા પીયા સબકુછ બાકી બચા કુછ નહી જેવી હાલત છે. ત્યારે જાગતા હોવા છતાં વર્ષોથી કુંભકરણની નિંદ્રામાં પોઢેલા જૂનાગઢના કહેવાતા જાગૃત લોકો, આગેવાનો, ધારાસભ્ય, સંસદ સભ્ય, કોર્પોરેટરો અને મહાનગરપાલિકામાં સત્તા સ્થાને બેઠેલા શાસકો હવે તો તમે જાગો કે આ શહેરનો કોઈ મોટો ઉદ્યોગ અપાવી શકે જેને લઈને પાંચ થી દસ હજાર લોકો રોજગારી મેળવી શકે.
સૌરાષ્ટ્ર અને ગુજરાતના વિવિધ જીલ્લાઓની પરિસ્થિતિ જાેઈએ તો કોઈને કોઈ ઉદ્યોગ એવો હશે કે જેને કારણે અનેક લોકોને રોજગારી મળી શકે. જામનગરમાં રિલાયન્સ આવ્યા બાદ અનેક લોકોને રોજગારી મળી શકી છે અને જામનગર જીલ્લાનો સંપુર્ણ વિકાસ થઈ રહ્યો છે. રાજકોટમાં જુદા-જુદા ઔદ્યોગિક એકમોને કારણે લોકોને નિશ્ચિતરૂપે રોજગારી મળી શકે છે. જયારે ગુજરાત અને દેશમાં પણ પ્રખ્યાત એવા ઐતિહાસીક શહેર જૂનાગઢની માટે વિસમજનક પરિસ્થિતિ છે. પ્રવસાનની દ્રષ્ટીએ મહત્વના આ શહેરમાં અનેક તીર્થ સ્થાનો, ભવનાથ વિસ્તાર, ગરવો ગિરનાર, રોપવે તેમજ વિવિધ ધાર્મિક સ્થળોને લઈને પ્રવાસીઓ અહીં મુલાકાતે આવતા હોય છે અને જેને લઈને જૂનાગઢમાં વિવિધ વ્યવસાયકારોને નાની-મોટી રોજગારી મળી રહેતી હોય છે પરંતુ ખાસ બાબત એ છે કે, આ મળતી રોજગારીમાં ખાયા પીયા સબકુછ બાકી બચા કુછ નહી જેવો ઘાટ સર્જાયો છે તેવી આમ જનતાની વ્યાપક ફરિયાદો છે. રાજકિય દ્રષ્ટીએ જાેઈએ તો જૂનાગઢ મહાનગરપાલિકામાં વર્ષોથી ભાજપનું રાજ છે. સાંસદ ભાજપના, હાલ ધારાસભ્ય ભાજપના, તાલુકા પંચાયત, જીલ્લા પંચાયત ભાજપના કબ્જામાં અને ગુજરાતના મુખ્યમંત્રી ભાજપના, દેશના વડાપ્રધાન ભાજપના આમ મોસાળે જમણ અને મા પીરસનાર જેવો ઘાટ થયો છે. કહેવાનો મતલબ એવો છે બે દાયકાથી વધુ સમયથી ભાજપનું શાસન છે. બધી જ પરિસ્થિતિ અનુકુળ છે તેમ છતાં આંખે પાટા બાંધીને ગાંધારીની માફક ફરી રહેલા જૂનાગઢના કહેવાતા જાગૃત નાગરિકો, પ્રજાના પ્રતિનિધિઓ અખબારોમાં ફોટા પડાવવા અને પોતે આટલી કામગીરી કરી છે તેવા ગુણગાન ગાવામાંથી ઉંચા આવતા નથી અને અન્ય એક વર્ગ એવો છે કે સવાર, બપોર અને સાંજ પ્રેસનોટો જ લખ્યા રાખે. જયારે કેટલાક જાગૃત નાગરિકો એવા છે કે જે પોતાની જાતને પ્રજાના હિત ચિંતકો ગણાવી રહ્યા છે તેવો પ્રજાને ગુમરાહ કરવાની કામગીરી સિવાય બીજુ કંઈ ઉકાળી શકતા નથી. આમ જૂનાગઢને કોઈ સારો ઉદ્યોગ અપાવી શકે તેવો કોઈ નેતા પ્રજાની દ્રષ્ટીમાં હાલ કોઈ નથી તેવી વ્યાપક ફરિયાદ ઉઠી છે.