અવાનર-નવાર વાહનો ખુંચી જવાના બનાવને પગલે જનતા પરેશાન : ચોમાસું શરૂ થાય તે પહેલા તમામ કાર્યો સંપન્ન કરવાની માંગણી
જૂનાગઢ શહેરમાં ઠેર-ઠેર રસ્તાઓના ખોદકામના કામો ચાલી રહ્યા છે ત્યારે તેને લઈને ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ગત શનિવારે હાટકેશ હોસ્પિટલ નજીક ભુગર્ભ ગટરની જયાં કામગીરી ચાલી રહી છે ત્યાં એક કાર ફસાઈ ગઈ હતી. જાેકે સદભાગ્યે કોઈ જાનહાની થવા પામી ન હતી. આ દરમ્યાન ગઈકાલે મજેવડી રસ્તા નજીક એક માલ ભરેલી લોડેડ ટ્રકનું ટાયર રસ્તામાં ખુપી ગયું હતું અને જેના કારણે ગઈકાલે ટ્રાફીક જામ સર્જાયો હતો. જૂનાગઢ શહેરમાં વિવિધ વિસ્તારોમાં ગટર, ગેસ લાઈનના કામો ચાલી રહ્યા છે. જાહેર માર્ગો ઉપર માટીના ઢગલા હટાવવા અને ખાડા પુરવા અંગે તાત્કાલીક અસરથી કાર્ય કરવા જીલ્લા કલેકટર અને મહાનગરપાલિકાના કમિશનરને રજુઆત કરવામાં આવી છે. આગામી ચોમાસું દરવાજે ટકોરા દઈ રહ્યું છે તેમ છતાં મનપા તંત્ર દ્વારા પ્રિમોન્સુનની કામગીરી નજરે ચડતી નથી તેમજ આગામી તા.૧ર થી ૧૪ જુન સુધી હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરાઈ છે તેમ છતાં જૂનાગઢ મહાનગર તથા આસપાસના ગામોમાં ગટર, પાણીની લાઈનો, ટોરેન્ટ ગેસ દ્વારા ખોદકામ કરવામાં આવી રહ્યું છે આ સ્થિતીમાં વરસાદ ત્રાટકે તો સ્થિતી વધુ ગંભીર બને તેમ છે ત્યારે તાત્કાલીક અસરથી ખોદકામ બંધ કરાવવાની માંગણી કરવામાં આવીરહી છે. શહેરમાં ખોદેલા માર્ગોના ખાડા પુરવા, પેચવર્કની કામગીરી પણ તત્કાલ હાથ ધરવાની માંગણી કરવામાં આવી રહી છે.