કેશોદ પીજીવીસીએલ દ્વારા વીજચોરી ઝડપી પાડવા વોટ્‌સએપ નંબર જાહેર કરી માહિતી આપવા અપીલ કરી

0

કેશોદ પીજીવીસીએલ વિભાગીય કચેરી ખાતે પોરબંદર વર્તુળ કચેરીનાં અધિક્ષક ઇજનેર જે. એમ. કષ્ટા, કેશોદ વિભાગીય કચેરીનાં કાર્યપાલક ઈજનેર એચ. એચ. સોની, કેશોદ શહેરી વિસ્તારનાં નાયબ કાર્યપાલક ઈજનેર કાતરીયા સહિત અધિકારીઓની ઉપસ્થિતિમાં વિજચોરી અટકાવવા માટે વોટ્‌સએપ નંબર જાહેર કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કેશોદ પીજીવીસીએલ વિભાગીય કચેરી હેઠળના કેશોદ શહેર કેશોદ ગ્રામ્ય વિસ્તાર, માળીયા હાટીના વિભાગીય કચેરી હેઠળના વિજ જાેડાણમાં વિજ ગ્રાહકો દ્વારા કોઈપણ પ્રકારની વિજચોરી કરવામાં આવતી હોય તો જાહેર કરવામાં આવેલ વોટ્‌સએપ નંબર ૮૧૪૧૧૬૧૮૫૬ પર મેસેજ કરવાથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને માહિતી આપનારનું નામ નંબર ગુપ્ત રાખવામાં આવશે. કેશોદ વિસ્તારમાં પીજીવીસીએલ દ્વારા પ્રી મોન્સુન કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે કોઈપણ જગ્યાએ વિજ લાઈન ક્ષતિગ્રસ્ત હોય તો ફોલ્ટ વિભાગમાં જાણ કરવા અપીલ કરવામાં આવી છે. પીજીવીસીએલ કચેરીના અધિકારીઓ દ્વારા વિજ ચોરી અટકાવવા છાશવારે ચેકીંગ હાથ ધરવામાં આવે છે ત્યારે છાનેખુણે વિજચોરી થતી હોય તો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દંડ વસૂલ કરવા માટે સહકાર આપવા શહેરીજનોને અપીલ કરવામાં આવી છે. કેશોદ આસપાસના વિસ્તારોમાં કારખાનાં સહિત નાનાં મોટાં ઉધોગો આવેલ છે ત્યારે વધુ વપરાશકારો વિજ ચોરી કરવાનો પ્રયત્ન કરતાં હોય છે ત્યારે જાહેર કરવામાં આવેલ વોટ્‌સએપ નંબર ઉપર માહિતી આપવામાં આવ્યાં બાદ જવાબદાર તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વિશ્વાસનું વાતાવરણ ઉભું કરવામાં આવશે તો માહિતી આપનારનો ઉત્સાહ વધશે સાથે સાથે પીજીવીસીએલની આવકમાં વધારો થશે. કેશોદ શહેરમાં સુર્યપ્રકાશથી વિજળી પેદા કરવાની સરકારની યોજના હેઠળ સંખ્યાબંધ વિજગ્રાહકોએ સોલાર પેનલ ફિટ કરાવી છે ત્યારે બાકી રહેતાં વિજ ગ્રાહકોમાં રહેલું વિજ ચોરીનું દુષણ ડામવા પીજીવીસીએલ વિભાગીય કચેરી દ્વારા લોકોનો સહકાર માંગવામાં આવ્યો છે ત્યારે પીજીવીસીએલ વિભાગીય કચેરી દ્વારા શેહશરમ રાખ્યા વગર રાજકીય ભલામણો અવગણના કરી પગલાં ભરવામાં આવશે તો વિશ્વાસ ઉભો થતાં સામાન્ય અને મધ્યમ વર્ગના લોકો માહિતી આપતાં અચકાશે નહીં. કેશોદ પીજીવીસીએલ વિભાગીય કચેરી દ્વારા ગત હિસાબી વર્ષે નેવું લાખ રૂપિયા જેવી વિજચોરી ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દંડ વસુલ કર્યો હતો. પોરબંદર વર્તુળ કચેરી હેઠળના કેશોદ વિભાગીય કચેરીમાં વિજ પ્રવાહનો પાવર લોસ ખુબજ ઓછો છે જેનો સઘળો શ્રેય કેશોદ પીજીવીસીએલ વિભાગીય કચેરીનાં અધિકારીઓ અને કર્મચારીઓની નિષ્ઠાપૂર્વકની કામગીરીને કારણે છે.

error: Content is protected !!