મુંબઈ કનેક્શન ધરાવતા શખ્સ પાસેથી રૂપિયા સાડા ચાર લાખનો એમડી ડ્રગ્સ ઝડપાયો
ખંભાળિયા નજીકના દાતા ગામ પાસેથી ગત તારીખ ૨૭ મે ના રોજ જામનગરના કટલેરીના ધંધાથી એવા મોહસીન ઉર્ફે છોટુ સતારભાઈ સાટી નામના શખ્સને જિલ્લા એસ.ઓ.જી. પોલીસે દબોચી લીધો હતો. તેની પાસેથી ૧૭ ગ્રામ એમ.ડી. ડ્રગ્સનો જથ્થો મળી આવતા આ અંગેની ઊંડાણપૂર્વકની તપાસમાં મુખ્ય સપ્લાયર તરીકે મુંબઈના માહીમ વિસ્તારમાં રહેતા જુબેર મોહમ્મદ ઉંમર મેમણ મેમણ નામના ૩૮ વર્ષના શખ્સની પોલીસે મુંબઈથી અટકાયત કરી તેને પણ રિમાન્ડ ઉપર લીધો હતો. આ પ્રકરણમાં રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકામાં નગર ચોક વિસ્તારમાં રહેતા રિઝવાન ગફાર છાટબાર ખત્રી નામના ૩૯ વર્ષના શખ્સની સંડોવણી હોવાનું પણ એસ.ઓ.જી. પોલીસને ધ્યાને આવતા આ અંગે ટેકનિકલ અને મુવમેન્ટ એનાલિસિસ દરમ્યાન મુંબઈ ખાતેથી પરત ફરી રહેલા રિઝવાન ગફારને ગત તારીખ ૧૧ મીના રોજ રાજકોટ નજીકના વીરપુર ખાતેથી સ્થાનિક પોલીસને સાથે રાખીને ઝડપી લેવામાં આવ્યો હતો. આ શખ્સની તપાસમાં તેના કબ્જામાંથી રૂા.૪,૫૮,૦૦૦ ની કિંમતનો ૪૫.૮ ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. જે સંદર્ભે તેની સામે એનડીપીએસ એક્ટની કલમ મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યવાહી દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના મુજબ એસ.ઓ.જી. વિભાગના ઇન્ચાર્જ પી.આઈ. પી.સી. સિંગરખીયા તથા સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.