સોમનાથ મહાદેવના પ્રસાદ સ્વરૂપે અસરગ્રસ્ત વિસ્તારોમાં બૂંદી-ગાઠીયા પહોંચાડ્યા
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના આશીર્વાદ અન્ન સ્વરૂપે દેવભૂમિ દ્વારકા ખાતે રવાના કરાયા હતા. દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં શ્રી સોમનાથ ટ્રસ્ટ કોઈ પણ આપત્તિમાં જન સેવામાં અગ્રેસર રહે છે. સોમનાથની સાપેક્ષમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે પવનો અને વાવાઝોડાની વધુ અસરો થવાની સંભાવના છે. ત્યારે પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં કામ કરતું સોમનાથ ટ્રસ્ટ દેવભૂમિ દ્વારકા જિલ્લાના લોકોની વાહરે આવ્યું છે. સોમનાથ ટ્રસ્ટના સચિવ યોગેન્દ્રભાઈ દેસાઈના સતત માર્ગદર્શન હેઠળ દેવભૂમિ દ્વારકા ખાતે વહીવટી તંત્રનો સંપર્ક કરીને શેલ્ટર હોમમાં ખસેડવામાં આવેલ શરણાર્થી માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ૫૦૦૦ પેકેટ બુંદી અને ગાંઠીયા બનાવીને રવાના કરવામાં આવ્યા છે. જે જિલ્લા વહીવટી તંત્રને હસ્તગત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં શ્રી સોમનાથ ટ્રસ્ટ દેશભરમાં કુદરતી આપત્તિ સમયે જનસેવાના કાર્યમાં હંમેશા તત્પર રહ્યું છે.