તદ્દન નધણિયાત જણાંતા માંગરોળ વિજતંત્રની કામગીરી સામે લોકોમાં ભારે આક્રોશ ફેલાયો છે. કાળઝાળ ગરમીમાં સતત ૨૪ કલાક ઠપ્પ રહેલો પુરવઠો અને કાયમીના વિજધાંધીયાથી ત્રસ્ત અત્રેની એક સોસાયટીની મહીલાઓ સહિત ૮૦ જેટલા રહીશોએ વિજ કચેરીએ મોરચો માંડયો હતો. મહીલાઓએ જ્યાં સુધી લાઈટ ન આવે ત્યાં સુધી કચેરીએથી ન ખસવાનું જણાવી અડિંગો જમાવતા તંત્રને તાબડતોબ ફોલ્ટ રિપેર કરવાની ફરજ પડી હતી. શહેરના કેશોદ રોડ પર આવેલી ન્યુ ગ્રિન સીટીથી ઓળખાતી શિલ્પી સોસાયટીમાં રહેતા ૬૦ જેટલા પરિવારો નિંભર પીજીવીસીએલ તંત્રથી તૌબા પોકારી ઉઠ્યા છે. રહેવાસીઓના જણાવ્યા મુજબ જે તે સમયે વિજજાેડાણ વખતે સીટીમાં કોટેશન ભરેલું હોવા છતાં તંત્રએ માનખેત્રા ગ્રામજ્યોતિ ફીડરમાંથી લાઈન આપેલ છે. તેમ છતાં લાઈટબિલ સીટીના યુનિટ ભાવ પ્રમાણે આપે છે. અહીં કલાકો સુધી વિજ પુરવઠો ઠપ્પ રહે છે. કાયમી વરસાદ કે વાવાઝોડાની સ્થિતિ હોય તેમ લાઈટની સતત આવજાવ ચાલુ રહે છે. અનેક રજુઆતો છતાં અધિકારીઓ દ્વારા ધ્યાન આપવામાં આવતું નથી. કચેરીમાં ફોન કરતાં “થશે ત્યારે થશે, અમે રોબોર્ટ તો નથી ને” તેવા ઉડાઉ જવાબ આપે છે. અધિકારી તો તેનાથી આગળ વધી “ત્યાં મકાન લેવાય નહીં ને !” તેવા બેફીકરા જવાબો આપે છે. દરમ્યાન સોમવારે સાંજે લાઈટ ગયા બાદ મંગળવારે સાંજ સુધી આવી ન હતી. ૨૪ કલાક પછી લાઈટ આવ્યા બાદ પણ સતત આવજાવ ચાલુ રહેતા પીજીવીસીએલની બેદરકારી અને લાપરવાહી સામે લોકોનો રોષ ભભુકી ઉઠયો હતો. લોકોની હાલાકી, રજુઆતો કાને ન ધરતા તંત્રને ઢંઢોળવા રાત્રે રહીશો કચેરીએ દોડી ગયા હતા. જ્યાં આક્રમક રજુઆત કરી હતી. ત્યારબાદ લાઈટ ન આવે ત્યાં સુધી ઘરે પરત ન જવાનું કહી મહીલાઓ કચેરીની ઓફીસમાં બેસી ગઈ હતી. જાે કે લોકોનો મિજાજ પારખી ગયેલા તંત્રએ ગણતરીની મિનિટોમાં ફોલ્ટ રિપેર કરતા મામલો થાળે પડ્યો હતો.