Sunday, September 24

સગર્ભાઓ માટે સ્વસ્થ માતા, સ્વસ્થ બાળક, તો સશક્ત સમાજનું સર્જન શક્ય બનાવતું યોગ

0

ગર્ભાવસ્થામાં ત્રણ તબક્કામાં યોગાભ્યાસ જરૂરી : ગર્ભાવસ્થા પહેલા કરાતા યોગને પ્રિનેટલ યોગ, ગર્ભાવસ્થા દરમ્યાન કરાતા યોગને ઇન્ટેનેટલ યોગ અને ગર્ભાવસ્થા પછી કરાતા યોગને પોસ્ટનેટલ
“સ્વસ્થ માતા, સ્વસ્થ બાળક તો સશક્ત સમાજસર્જન” એ ઉક્તિને સાર્થક કરવા ભારત સરકાર સતત ચિંતન સાથે પ્રયત્નશીલ રહી છે. પ્રસૂતા મહિલાઓનો નવ માસનો ગાળો માનસિક તેમજ શારીરિક રીતે ખુબ જ સંવેદનશીલ હોય છે. માતાના ગર્ભમાં ઉછેરી રહેલા બાળકનું સ્વાસ્થ્ય એ માતાના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય સાથે સીધું જાેડાયેલું હોય છે ત્યારે માતાને ગર્ભાવસ્થા દરમ્યાન અને ત્યારબાદ માનસિક અને શારીરિક અને સુપોષિત બળ પૂરૂ પાડે છે ઇન્ટેનેટલ યોગ. ગાયનેકોલોજિસ્ટ ડોક્ટર્સ દ્વારા જણાવ્યા મુજબ સગર્ભા મહિલાઓ માટે યોગાભ્યાસના ફાયદા અને તેની અમલવારી એક અભિયાન સ્વરૂપે ચલાવવી જરૂરી છે. ગર્ભાવસ્થામાં ત્રણ તબક્કામાં યોગાભ્યાસ જરૂરી છે. ગર્ભાવસ્થા પહેલા કરાતા યોગને પ્રિનેટલ યોગ, ગર્ભાવસ્થા દરમ્યાન કરાતા યોગને ઇન્ટેનેટલ યોગ અને ગર્ભાવસ્થા પછી કરાતા યોગને પોસ્ટનેટલ યોગ તરીકે ઓળખવામાં આવે છે. તેમજ સગર્ભાઓએ યોગાસન દરમ્યાન સાવચેતી રાખવી આવશ્યક છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સુપોષિત માતા અને સુપોષિત બાળની નેમ સાથે જન્મ સમયે મૃત્યુ દર ઘટાડવા અનેકવિધ અભિયાન દ્વારા હેલ્થ કેર વિભાગ સક્રિય છે, ત્યારે આવનારા સમયમાં સારવાર સાથે યોગના સંયોગથી સશક્ત સમાજનું સર્જન થશે, તેમ ચોક્કસ કહી શકાય. આધુનિક વિજ્ઞાનમાં પણ સ્ત્રીને ન્યુનતમ પ્રસવ પીડા સાથે તંદુરસ્ત બાળક જન્મે, તે માટે અનેકવિધ સંશોધન થઇ રહ્યા છે. જેમાં ભારતના પુરાતન યોગા અને નેચરોપથી પણ એટલા જ લાભકારી હોવાનું વિશ્વે સ્વીકાર્યું છે. ભારત સરકારના આયુષ વિભાગ દ્વારા યોગા અને નેચરોપેથી દ્વારા મહિલા અને બાળકની સંભાળ અંગે ખાસ માર્ગદર્શક પુસ્તિકા જાહેર કરાયેલી છે.
ગર્ભાવસ્થા દરમ્યાનની અવસ્થા-સમસ્યાની સમાધાન-વ્યવસ્થા પ્રદાન કરે છે યોગ
મહિલાઓને ગર્ભાવસ્થા દરમ્યાન કમરના દુઃખાવા, પગના દુઃખાવા, થાક, ગભરાટ, ઉલ્ટી, કબજિયાત સાથે માનસિક તણાવની ફરિયાદ રહેતી હોય છે. જે બાળ ઉછેર પર અસરકર્તા છે. આવા સમયે યોગ માતા અને ગર્ભમાં રહેલા બાળકને સ્વાસ્થ્ય પ્રદાન કરે છે. રાજકોટમાં આવેલી પદ્મકુંવરબા હોસ્પિટલના સુપ્રીન્ટેડેન્ટ ડો. ત્રિશાબેન મર્ચન્ટએ જણાવ્યું છે કે સગર્ભાવસ્થા દરમ્યાન યોગાસન કરવાથી લેબર પેઈનમાં રાહત મળે છે. સુવાવડ સરળતાથી થઈ શકે છે. યોગ ડીલીવરી પછી માતાનું વજન ઘટાડવામાં મદદ કરે છે અને રીકવરી ઝડપી થાય છે. માનસિક સ્વસ્થતા જળવાય છે. ખાસ કરીને માતા અને બાળકનું બોન્ડીંગ વધે છે. રાજકોટના જાણીતા ગાયનેક ડો. રેખાબેન પટેલે જણાવ્યું છે કે, સગર્ભાવસ્થા દરમ્યાન રોજ માત્ર ૧૦ મિનીટ યોગ કરવાથી પણ શારીરિક અને માનસિક રીતે લાભ થાય છે. યોગાસન અને પ્રાણાયામ કરવાથી ડીલીવરી નોર્મલ થવાની સંભાવના વધી જાય છે. તેમજ ડીલીવરી દરમ્યાન મૃત બાળક જન્મવાની શક્યતા ઓછી હોવાથી જન્મદરમાં વધારો થાય છે. ડો. રેખાબેને વિશેષમાં જણાવ્યું છે કે, માતાઓએ સુવાવડ બાદ પણ યોગ કરવાના ચાલુ રાખવા જાેઈએ. યોગ કરવાથી માતામાં અને બાળકમાં લોહીનું સર્ક્‌યુલેશન બરાબર થવાથી ફીડિંગ વધુ આવે છે. નિયમિત યોગ કરવાથી શારીરિક ફાયદાની સાથે માનસિક સ્વાસ્થ્ય પણ સારૂ રહે છે. માનસિક તણાવમાં ઘટાડો થાય છે.
યોગના સંયોગથી સ્વસ્થ-સશક્ત બાળકનું સર્જન
રાજકોટના જાણીતા ચાઈલ્ડ સ્પેશિયાલિસ્ટ ડો. અનિલ પટેલે તંદુરસ્ત બાળકની વ્યાખ્યા કરતા જણાવ્યું છે કે, બાળકના જન્મ સમયે તેનું વજન ત્રણ કિલોગ્રામ જેટલું હોવું જરૂરી છે. જાે બાળકનું વજન ઓછું હોય તો તે કુપોષિત બાળકની વ્યાખ્યામાં આવે. કુપોષિત જન્મતા નવજાત શિશુના સ્વાસ્થ્યને લઈને ચાર ગણું જાેખમ વધી જાય છે. બાળકને જન્મ બાદ તુરંત જ સારવારની જરૂર પડે છે. બાળક મોટું થાય ત્યારે ડાયાબિટીસ, બી.પી. જેવા રોગના શિકાર બને છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સુપોષિત માતા અને સુપોષિત બાળની નેમ સાથે જન્મ સમયે મૃત્યુ દર ઘટાડવા અનેકવિધ અભિયાન દ્વારા હેલ્થ કેર વિભાગ સક્રિય છે, ત્યારે આવનારા સમયમાં સારવાર સાથે યોગના સંયોગથી સશક્ત સમાજનું સર્જન થશે, તેમ ચોક્કસ કહી શકાય.
– માતાને ગર્ભાવસ્થા દરમ્યાન અને ત્યારબાદ માનસિક અને શારીરિક બળ પૂરૂ પાડે છે.
– પ્રસૂતા માતા મૃત્યુ દર ઘટાડવામાં આધુનિક વિજ્ઞાને યોગ પ્રણાલીનું મહત્ત્વ સ્વીકાર્યું છે.
– યોગાસન બાળકના મૃત્યુદર અને કુપોષણ માં ઘટાડો કરી શકે છે.

error: Content is protected !!