શરણાઇ અને બેન્ડવાજાના તાલે ધાર્મિક ભજનો સાથે ઠાકોરજીના બાલસ્વરૂપને ચાંદીના રથમાં મંદિર પટાગણમાં ચાર પરીક્રમાં કરાવાય : ભાવિકો ઠાકોરજીનો રથ ખેચી ભાવ વિભોર બન્યા
યાત્રાધામ દ્વારકામાં દ્વારકાધીશ જગતમંદિરે અષાઠી બીજ નિમીતે બુધવારે સાંજે પાંચ થી સાત વાગ્યા સુધી રથયાત્રા ઉત્સવની ભક્તિભાવ પૂર્વક પુજારી પરીવાર અને સંખ્યાબંધ ભાવિકોની ઉપસ્થિતીમાં ઉજવણી કરાઇ હતી. ઠાકોરજીના બાલસ્વરૂપને ચાંદીના રથમાં બેસાડી બેન્ડવાજા તેમજ શરણાઇના શુરોના ધાર્મીક ભજનોથી જગમંદિર પટાગણમાં ચાર પરીક્રમાં કરાવામાં આવી હતી. દરેક પરીક્રમાં વખતે પરિક્રમાં પૂર્ણ થયા બાદ ઠાકોરજીને ભોગ સામગ્રી તેમજ વિશેષ મહા આરતી કરવામાં આવી હતી. શ્રીજીની ચોથી અંતિમ પરિક્રમા પૂર્ણ થયા બાદ ઠાકોરજીના રથને મંદિર પટાગણમાં દેવકીજીના મંદિર પાસે આવેલ સ્થંભમાં રથ અથડાવામાં આવ્યો હતો. આ ધાર્મીક પ્રસંગે શ્રીજીને ચાંદીના દિવ્ય રથ ઉપર યાત્રા કરાવાનું સવિશેષ મહત્વ હોય છે. જેમાં પુજારી પરીવાર અને સંખ્યાબંધ ભાવિકો ભગવાનનો રથ ખેચી ભાવ વિભોર બન્યા હતા. રથ યાત્રામાં જીલ્લા પોલીસ વડા નિતેશ પાંડેની ઉપસ્થિતીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી રથ યાત્રા ઉત્સવ પૂર્ણ કર્યો હતો.