ઓફિસમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરતી મહિલાએ રાજકોટના સાગરીતો સાથે મળી અવાર-નવાર ધમકી આપવા અંગે નોંધાઈ પોલીસ ફરિયાદ
જૂનાગઢમાં મેરેજ બ્યુરો ચલાવતા સંચાલક સામે તેની જ ઓફિસમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરતી એક મહિલાએ પૈસા પડાવવા માટે દુષ્કર્મની ફરિયાદ કરીને પાંચ લાખ આપવા અને મકાન પડાવવા માટે અવાર-નવાર ધમકીઓ આપતા અંતે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર જૂનાગઢમાં જાેષીપરા ખાતે ગંધારીવાડી પાસે મેરી ગોલ્ડ-૪માં વિધાતા લગ્ન માહિતી કેન્દ્ર નામે મેરેજ બ્યુરો ચલાવતા હિતેષભાઈ રાયવડેરાની ઓફિસમાં રિસેપ્શનીસ્ટ તરીકે જેતપુરની દીપમાલા ગુણવંતરાય વોરા નામની મહિલા નોકરી કરી રહી હતી. શરૂઆતમાં તેણી જેતપુરથી અપડાઉન કરતી જેને લઈને તકલીફ પડતા તેને હિતેષભાઈએ વંથલી રોડ ઉપર ચંદનપાર્કમાં આવેલું તેનું મકાન થોડા દિવસો માટે રહેવા આપેલ હતું. જે મકાનમાં દીપમાલા, તેમની માતા રમીલાબેન અને પિતા ત્રણેય રહેવા માટે આવ્યા હતા. ત્યારબાદ દીપમાલાએ કોઈને કોઈ બહાના હેઠળ હિતેષભાઈ પાસેથી આર્થિક મદદ મેળવેલ હતી. જે પૈસાની હિતેષભાઈ દ્વારા માંગણી કરવામાં આવતા દીપમાલાએ પૈસા આપવાને બદલે તેમને ખોટા દુષ્કર્મના કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપતા અંતે તેને નોકરીએ ન આવવા અને મકાન ખાલી કરી આપવા જણાવતા છેલ્લે દીપમાલાએ હિતેષભાઈને રાજકોટના નમ્રતાબેન ઉર્ફે નીરૂબેન બારેચા અને અભી પટેલ અને માતા રમીલાબેન સાથે મળીને ધમકીઓ આપતા હતા. બાદમાં તેણીએ હિતેષભાઈ સામે દુષ્કર્મની ફરિયાદ કરીને પાંચ લાખ રૂપીયા અને મકાન પડાવી લેવા માટે કારસો રચીને અવાર-નવાર ધમકીઓ આપતા અંતે તેમની સાથે થયેલી વાતચીના રેકોર્ડીંગ અને પુરાવા સાથે હિતેષભાઈ ઉપર કરવામાં આવેલી દુષ્કર્મની ફરિયાદ ખોટી અને હનીટ્રેપ કરીને ફસાવી દીધા હોવાની હિતેષભાઈના પત્ની પારૂલબેન રાયવડેરાએ આજે બી ડીવીઝનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.