ભીમરાણાના મહિલાના કાન કાપીને સોનાના દાગીનાની લૂંટ કરી, નાસી છૂટેલા શખ્સની શોધખોળ

0

પોલીસને પડકાર આપતા બનાવથી લોકોમાં ફફડાટ

ઓખા મંડળના ભીમરાણા ગામે રહેતા એક મહિલાને રસ્તો પૂછવાના બહાને અટકાવી એક અજાણ્યા શખ્સ દ્વારા આ મહિલા ઉપર હુમલો કરી અને કાતર જેવા હથિયાર વડે કાનમાં પહેરેલા દાગીનાની લૂંટ કર્યાનો ચિંતાજનક બનાવ પ્રકાશમાં આવ્યો છે. જે સંદર્ભે પોલીસે ભોગ બનનાર મહિલાની ફરિયાદ ઉપરથી આરોપીને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. સમગ્ર દ્વારકા પંથકમાં ચર્ચાસ્પદ એવા આ બનાવની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ મીઠાપુર તાબેના ભીમરાણા ગામે આવેલી જુના સરકારી અનાજની દુકાન પાસે રહેતા સોમીબેન આશાભાઈ રૂપાભાઈ શિરૂકા નામના ૫૫ વર્ષના આધેડ મહિલા ગઈકાલે ગુરૂવારે નજીક આવેલી સેન્ટ મેરી સ્કૂલથી પોતાના ઘરે જઈ રહ્યા હતા. તે દરમ્યાન એક પડતર જમીનના કાચા માર્ગે તેઓ ચાલીને જઈ રહ્યા હતા, તે દરમ્યાન આશરે ૨૫ થી ૩૦ વર્ષની ઉંમરનો એક અજાણ્યો શખ્સ તેમની પાસે આવ્યો હતો અને “મોગલ ધામ જવાનો રસ્તો કયો છે ?”- તેમ પૂછતા સોમીબેને તેમને રસ્તો બતાવી અને પોતાની પાછળ પાછળ આવવા જણાવ્યું હતું. આ પછી પરિસ્થિતિ જાેઈને આરોપી દ્વારા રસ્તામાં આવેલી બાવળની જાળી પાસે પહોંચતા આ મહિલાને ધક્કો મારી જમીન ઉપર પછાડી દીધા હતા. ત્યાર બાદ આરોપી શખ્સે તેણીની પીઠ ઉપર ચડી જઈ અને પોતાના હાથમાં રહેલી ખાતર જેવા તીક્ષ્ણ હથિયાર વડે આ મહિલાના બંને કાન કાપી અને તેણીએ કાનમાં પહેરેલા આશરે રૂા.૨૦,૦૦૦ની કિંમતના અડધો તોલાનું વચન ધરાવતા સોનાના બે ઠોળીયા તથા રૂપિયા ૪,૦૦૦ ની કિંમતની સોનાની ચાર નંગ કડી તેમજ ખોટી ધાતુના બે કબૂકલાની લૂંટ કરી અને નાસી છૂટ્યો હતો. આમ, મહિલાને ગંભીર ઇજાઓ પહોંચાડી આરોપી શખ્સ કુલ રૂા.૨૪,૧૦૦ના દાગીનાની લૂંટ ચલાવી અને નાસી છૂટવામાં સફળ થયો હતો. લોહી-લોહાણ હાલતમાં આ મહિલાને ઇમરજન્સી ૧૦૮ વાન મારફતે પ્રાથમિક સારવાર અપાયા બાદ વધુ સારવાર અર્થે જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ બનતા સ્થાનિક પોલીસ દ્વારા આરોપી શખ્સને ઝડપી લેવા માટે આ વિસ્તારના સીસીટીવી કેમેરા ચેક કરી અને જરૂરી તપાસ હાથ ધરવામાં આવી હતી. આ સમગ્ર પ્રકરણ અંગે મીઠાપુર પોલીસે સોમીબેન શિરુકાની ફરિયાદ ઉપરથી આઈ.પી.સી. કલમ ૩૯૭ તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, વિવિધ દિશાઓમાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

error: Content is protected !!