ધાર્મિક ઉત્સવો, પર્વ મહોત્સવો, આરાધનાના અનુષ્ઠાનો અને વિવિધ પ્રકારની આત્મહિતકારી શિબીરો સાથે દીપી રહેશે ગિરનાર વંદનમ વર્ષાવાસ
સમગ્ર સૌરાષ્ટ્રના ગૌરવ સમી ગિરનાર ક્ષેત્રની ધન્ય ધરા ઉપર ભવ્ય જીવોને પ્રતિબોધિત કરવા માટે આગામી ચાતુર્માસામાં સ્થિરતા કરનારા, દેશ-વિદેશમાં લાખો ભકતો ધરાવતા જૈન ધર્મગુરૂ રાષ્ટ્રસંત ગુરૂદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સાંનિધ્યે સમગ્ર ચાતુર્માસ દરમ્યાન અનેક પ્રકારના આરાધના, અનુષ્ઠાન પ્રેરણાત્મક કાર્યક્રમો, ઉત્સવ-મહોત્સવ અને અંતર ઉજાગર કરી દેનારી વિવિધ પ્રકારની શિબીરોનું આયોજન કરવામાં આવ્યું છે. વિશેષમાં ગિરનાર ધરા ઉપર સર્જાયેલા નવનિર્મિત પારસધામ ધર્મ સંકુલના આંગણે ગિરનાર વંદનમ વર્ષાવાસ અર્થે પધારી રહેલા પરમ ગુરૂદેવ આદિ છ સંતો તેમજ પુજય શ્રી પ્રબોધિકાબાઈ મહાસતીજી આદિ સાધ્વી વૃંદના ચાતુર્માસ મંગલ પ્રવેશ અવસરે રપ જુન ર૦ર૩ રવિવાર સવારના ૮ઃ૩૦ કલાકે ભવ્યાતિભવ્ય સ્વાગત યાત્રાના આયોજન દ્વારા ગુરૂ ભગવંતના સ્વાગત વધામણા કરવામાં આવશે. એ સાથે જ સવારના ૯ કલાકે સમગ્ર ભારતના અનેક શ્રી સંઘ પ્રતિનિધિઓ, હજારો ભાવિકો અને ચતુર્વિધ સંઘની ઉપસ્થિતિમાં ચાતુર્માસ પ્રવેશ શુભેચ્છા અવસર યોજાશે. આ અવસરે રાજકોટ, જામનગર, ગોંડલ, જેતપુર, ધારી, વિસાવદર, વેરાવળ જેવા સૌરાષ્ટ્રભરના સંઘોના ભાવિકો સ્પેશિયલ બસથી આવશે. ઉપરાંતમાં ર૬ જુન ર૦ર૩ સોમવારે સવારના ૯ કલાકે દેશ-વિદેશના હજારો ગુરૂ ભકતો પરમ ગુરૂદેવના ચરણમાં ભકિત ભાવનાની અર્પણતા કરીને પરમ ગુરૂપુર્ણિમા અવસર હું અને મારા ગુરૂની ઉજવણી કરશે. સમગ્ર ચાતુર્માસ દરમ્યાન અનેકવિધ પરમ મહોત્સવ આયોજીત કરવામાં આવ્યા છે જેના અંતર્ગત તા.૧ર સપ્ટેમ્બરથી ૧૯ સપ્ટેમ્બર દરમ્યાન પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ ઉજવાશે. એની સાથે જ તા.ર૪ સપ્ટેમ્બરના દિવસે રાષ્ટ્રસંત પરમ ગુરૂદેવના પ૪માં જન્મોત્સવ અવસરે માનવતા મહોત્સવના આયોજન સાથે તા.૧રમી નવેમ્બરના દીપાવલીના અવસરે ભગવાન મહાવીર નિર્વાણ કલ્યાણક તેમજ તપસમ્રાટ પુજય ગુરૂદેવ શ્રી રતિલાલજી મહારાજ સાહેબની જન્મ જયંતિ ઉત્સવ યોજાશે. તા.૧૩ નવેમ્બર નૂતન વર્ષ મહા માંગલિક અવસરની સાથે તા.૧૭ નવેમ્બરના દિવસે જ્ઞાનપંચમી અવસરે જ્ઞાનપૂજન વિધિનું વિશિષ્ટ આયોજન થશે. પરમ મહોત્સવના આવા અનેરા આયોજન સાથે જ ભવ્ય જીવોના આત્માને ઉજાગર કરવા એમને સત્યનો બોધ પમાડવા તા.૧૪ થી ૧૬ જુલાઈ, તા.ર૮ થી ૩૦ જુલાઈ, તા.૧ર થી ૧પ ઓગસ્ટ, તા.૧ થી ૩ સપ્ટેમ્બર અને તા.ર૧ થી ર૪ ઓકટોબર દરમ્ય્ન આત્મોત્થાન શિબિરોનું આયોજન સમગ્ર ભારતના ખુણેખુણે વસતા ભાવિકો માટે કરવામાં આવ્યું છે. એ સાથે જ યુવાનો માટે યુવા સંસ્કાર શિબિરનું તા.૧૩ થી ૧૭ નવેમ્બરના આગયોજન કરવામાં આવ્યું છે. યોગાનુયોગ આ ચાતુર્માસમાં અધિકમાસ હોવાથી પાંચ-પાંચ મહિના સુધી પરમ ગુરૂદેવના સાંનિધ્ય અને આત્મકલ્યાણકારી એવા અવસરોનો લાભ જયારે મળવાનો છે ત્યારે સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતના ભાવિકોમાં આ અવસરોમાં જાેડાઈ જવાનો અનેરો ઉત્સાહ વર્તાઈ રહ્યો છે. સમગ્ર ચાતુર્માસનો લાભ કોલકાતા નિવાસી ધર્મવત્સલ શ્રી અવંતિભાઈ કાંકરીયા પરિવાર દ્વારા લેવામાં આવ્યો છે. પુજય ગુરૂ ભગવંતના સાંનિધ્યે ભવભવાંતરનું કલ્યાણ કરાવી દેનારા દરેકે દરેક અવસરો અને કાર્યક્રમોમાં આત્મહિત સાધવા સર્વ ધર્મપ્રેમી ભાવિકોને પધારવા ભાવભીનું આમંત્રણ આપવામાં આવ્યું છે. ચાતુર્માસ સંબંધી કોઈપણ પ્રશ્ન પુછવા માટે મો.૭૩૦૩૦૦૦૬૬૬ ઉપર સંપર્ક કરવો. દરેક કાર્યક્રમ પારસધામ, રૂપાયતન રોડ, ભવનાથ, જૂનાગઢ, ગુજરાત ખાતે યોજાશે.