જૂનાઢનો ‘બ્રોડગેજ’ પ્રશ્ન ઉકળતા ચરૂ જેવો : પ્રજાને કોઈ પુછતું નથી કે તમે શું ઈચ્છો છો !!!

0

જૂનાગઢ શહેરની પ લાખની વસ્તીને સ્પર્શતા એવા બ્રોડગેજ પ્રશ્ન ઉકળતા ચરૂ જેવો બની ગયો છે ત્યારે રેલ્વે વિભાગ પ્રજાના પ્રતિનિધિઓ કે જાગૃત નાગરિકો આમ જનતાને તમે શું ઈચ્છો છો તે બાબતે કોઈ પુછતું નથી અને જૂનાગઢ-વિસાવદર રેલ્વે લાઈનને બ્રોડગેજમાં રૂપાંતર કરવાના પ્રશ્ને યુધ્ધના મેદાનમાં ઉતર્યા છે ત્યારે જનતા જનારધનનો લોકમત મેળવી અને તેનો ફેંસલો શીરોમાન્ય કરવાની માંગણી આમ પ્રજામાંથી ઉઠવા પામી છે. ગુજરાતનું પ્રવાસનની દ્રષ્ટીએ તેમજ ઐતિહાસિક, રાજકીય રીતે પણ અતિ મહત્વનું શહેર જૂનાગઢ શહેરના વિકાસ કાર્યોમાં કંઈકને કંઈક વાંધાવચકા અને વિવાદ કાયમને માટે રહેતા હોય છે. આ શહેરના જાગૃત નાગરિકો કોઈ પ્રશ્ને રજુઆતો કરે તો સામે પક્ષે નેતાગણ તેમની સામે ગોઠવાય જતા હોય છે. કહેવાતા વાંધાવાચકાઓને કારણે વિકાસ કાર્યોમાં વારંવાર વિઘ્ન આવતું હોય છે. મહાનગરપાલિકા બન્યાના બે દાયકા જેવો સમય વિતી જવા છતાં જૂનાગઢની પ્રજા અને તેના વિકાસ કાર્યો ત્યાંના ત્યાં જ છે. જૂનાગઢના નેતાઓમાં દમ નથી કે કોઈ કાર્ય સફળતા પુર્વક સંપન્ન કરી શકે. રોપવેની ભેટ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કુશળ માર્ગદર્શન અને આ શહેર પ્રત્યેની લાગણીને કારણે સફળ બન્યું છે. બ્રોડગેજના પ્રશ્ને પણ વર્ષો સુધી લડાઈ ચાલી હતી. ઓકટોરય નાબુદ કરવામાં પણ ભારે જંગ ખેલાયો હતો. નરસિંહ મહેતા સરોવરનો વિકાસ ર૦ વર્ષથી જૂનાગઢ કોર્પોરેશનના અત્યાર સુધીના શાસકો કરી શકયા નથી તો જૂનાગઢ માટે બીજુ શું કશી શકે તે જનતાએ વિચારવાનો સમય છે. અણઘડ નેતાઓ ફોટા સેશન્સમાંથી ઉચા આવતા નથી અને વિકાસ કાર્યોને પ્રેસનોટના સ્વરૂપમાં દર્શાવી દે છે. મિટીંગો યોજી અને અમે આમ કર્યું અને તેમ કર્યુંના ગુણગાન ગાતા હોય છે અને આવી પરિસ્થિતિ વચ્ચે જૂનાગઢ શહેર મુકાયેલું છે. જૂનાગઢના જાણીતા એક અગ્રણી અને ઉદ્યોગપતિ તેમજ પ્રજા પ્રત્યે પોતાને કંઈક લાગણી છે તેવું દર્શાવવા માટે છાશવારે આંદોલનના મોરચા માંડતા હોય છે. પરિક્રમા, શિવરાત્રીનો મેળો કે અન્ય કોઈ જયારે મુદ્દા ઉઠે છે ત્યારે આ કહેવાતા નેતા પ્રજા સમક્ષ આવે છે અને દિવાસળી ચાપી અને નીકળી જાય છે. જયારે જૂનાગઢ શહેરનું ખાસ હિત જેઓના હૈયે છે તેવા કેટલાક જાગૃત નેતાઓ પ્રજાને કોઈપણ જાતનો અન્યાય થતો નથી ને તેનું સતત ધ્યાન રાખતા હોય છે અને જયારે પણ લોકોની સમસ્યા અંગે જરૂર પડે ગુજરાતના મુખ્યમંત્રી, વડાપ્રધાન તેમજ સંબંધીત વિભાગને પત્ર દ્વારા, ઈમેલ દ્વારા રજુઆતો કરવામાં આવતી હોય છે. સુસુપ્ત અવસ્થામાં પડેલા નેતાઓને પણ જગાડવામાં મહત્વનો ભાગ ભજવે છે. હાલ તો જૂનાગઢ શહેરમાં બ્રોડગેજ લાઈનનો પ્રશ્ન ઉકળતા ચરૂની માફક સળગ્યો છે અને આ પ્રશ્ને શું કરવું જાેઈએ તે અંગે ચર્ચા બેઠકો ચાલી રહી છે. તાજેતરમાં જૂનાગઢ શહેરને ફાટક મુકત કરવા માટે રેલ્વે તરફથી અંડરબ્રિજ-ઓવરબ્રિજના પ્રોજેકટનું પ્રેઝન્ટેશન રાખવામાં આવ્યું હતું. જેનો પ્લાસવા-શાપુર રેલ જાેડાણ સમિતિ અને માંગનાથ વેપારી એસોસિએશન દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. આ અંગે વેપારીઓને દહેશત છે કે, પાણી ભરાવાની સમસ્યાને લઈને બજારની રોનક છીનવાશે અને ગ્રાહકો બજાર સુધી નહી આવી શકે. માંગનાથ રોડ કલોથ એન્ડ રેડીમેઈડ એસોસિએશન પ્રમુખ ભુપેન્દ્ર તન્નાએ વેપારીઓ વતી એવું જણાવ્યું હતું કે, રેલ્વેના ૧૧ ફાટકો દુર કરીને અહી રેલ્વે વિભાગ દ્વારા અંડરબ્રિજ-ઓવરબ્રિજ કરવાનો પ્રોજેકટ લાવ્યા છે. પરંતુ આ પ્રોજેકટને લઈને અંડરબ્રિજમાં પાણી ભરાવાની સમસ્યા ઉદભવે છે. જેના પરિણામે વર્ષો જુની બજારોની રોનક છીનવાઈ જશે તેવી દહેશત છે. કારણ કે, જૂનાગઢ શહેર એટલે વર્ષો થયા ૯૯૯ ગામનું હટાણું અને આ હટાણું કરવા જૂનાગઢ શહેરની રતનપોળ એટલે માંગનાથ રોડ અને બંગડી બજાર એટલે હવેલી ગલી, આ ગીચ એરિયામાં ૧૧૦૦થી વધુ દુકાનોમાં ગ્રાહકો ખરીદી કરવા આવે છે પરંતુ આ પ્રોજેકટને લઈ આ બજારને તોડવાનું એક ષડયંત્ર કરવામાં આવી રહ્યાનું લાગે છે. અંડરબ્રિજમાં પાણી ભરાવાથી એસટી બસ સ્ટેન્ડથી આવતા ગ્રાહકો બજારમાં ખરીદી કરવા બજાર સુધી આવી શકશે નહી અને કા તો પરત જતા રહેશે અથવા અન્ય બજારમાં જતા રહે તેવી શકયતાઓ છે. જેથી અંડરબ્રિજ-ઓવરબ્રિજનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે. તો બીજી તરફ શાપુર-પ્લાસવા લાઈન અંગે કરવામાં આવેલી રજુઆતને ધ્યાને નહી લેવાય તો વેપારીઓ અડધો દિવસ બંધ રાખી વિરોધ નોંધાવશે. આ થઈ વેપારી વર્ગની ન્યાયીક વાત તો બીજી તરફ અંડરબ્રિજ બનાવવાનો વિરોધ થઈ રહ્યો છે. જેને કારણે જૂનાગઢ શહેરના ઘણાખરા વિસ્તારોમાં તેની અસર પહોંચે તેમ છે અને જાે સાચા અર્થમાં જૂનાગઢ શહેરના બે ભાગ પણ પડી જાય તેવી પણ સ્થિતી છે. જૂનાગઢ-વિસાવદર રેલ્વે લાઈનને બ્રોડગેજ બનાવવાનો રેલ્વે વિભાગનો નિર્ધાર છે. પ્લાન, એસ્ટીમેન્ટ અને ડીઝાઈન કમ્પલીટ થયા બાદ તાજેતરમાં તેનું પ્રેજન્ટેશન રજુ કરવામાં આવેલ હતું. આ પ્રેજેન્ટેશન નિહાળ્યા બાદ પ્રજાના પ્રતિનિધિઓએ પોતાનો મત જાહેર કરી અને જૂનાગઢ શહેરમાંથી બ્રોડગેજ બનાવવા માટે અંડરબ્રિજ બનાવવામાં આવે તો પ્રજાને વધુ એક સુવિધા મળશે તેવો મત જાહેર કરી દીધો છે. જયારે બ્રોડગેજની સામેની લડાઈમાં પુર્વ આરોગ્ય મંત્રી હેમાબેન આચાર્ય, અમૃતભાઈ દેસાઈ અને વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ આ સમિતિમાં જાેડાયેલા છે અને તેઓનું કહેવું એવું છે કે, જૂનાગઢ શહેરને બચાવવું હોય તો બ્રોડગેજમાં શાપુરથી લાઈન જાેડી દેવી જાેઈએ અને તો જ જૂનાગઢની મોટાભાગની સમસ્યા હલ થાય તેમ છે. અંડરબ્રિજ બનાવવાના પ્રશ્ને બકરૂ કાઢતા ઉટીંયું ન પેશે તેનું પણ ધ્યાન રાખવાની જરૂર છે. એક તરફ જાગૃત નાગરિકો બીજી તરફ પ્રજાના પ્રતિનિધિઓ અને ત્રીજી તરફ રેલ્વે વિભાગ આ બધાની વચ્ચે જનતાનો ખો નીકળી રહ્યો છે. પરંતુ જૂનાગઢ શહેરની શાંત પ્રજા આજે છડેચોક બોલી રહી છે કે, રેલ્વે બ્રોડગેજ કે અંડરબ્રિજ પ્રશ્ને જે કોઈ નિર્ણય લેવાય તે તેને માટે પ્રજાનો લોકમત માંગવાની પણ જરૂરીયાત છે અને આ બાબતે સંબંધીત વિભાગ દ્વારા કે પ્રજાના પ્રતિનિધિ દ્વારા એક જાહેરમંચ યોજવાની માંગણી કરી છે. શામળદાસ ગાંધી ટાઉનહોલ ખાતે લોકદરબાર યોજી અને જૂનાગઢમાં અંડરબ્રિજ કે શાપુરથી બ્રોડગેજ જાેડવી તે બાબતે જનતાનો મત પુછવા કાર્યવાહી કરવાની માંગણી ઉઠી છે.

error: Content is protected !!