દ્વારકા પંથકમાં રહેતી એક સગર્ભા મહિલાને પ્રસુતિની પીડા ઉપડતાં તેમના પરિવારજનો દ્વારા ઈમરજન્સી ૧૦૮ નો સંપર્ક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સગર્ભાના ઘરે પહોંચેલા ૧૦૮ એમ્બ્યુલન્સના ઈ.એમ.ટી. દિવ્યાંગી પ્રજાપતિ તથા પાયલોટ પરબતભાઈ કેર દ્વારા આ પ્રેગ્નન્સી ટેસ્ટ ગંભીર હોવાથી દ્વારકાની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં ખસેડવા અંગેની કાર્યવાહી કરવામાં આવી હતી. દરમ્યાન સગર્ભા દર્દીની હાલત ગંભીર જણાતા અને બીપી મર્યાદાથી વધુ હોવાથી આ મહિલાને પ્રસુતિ નોર્મલ થવી જાેખમભરી જણાતી હતી. આથી દ્વારકાથી ખંભાળિયાની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવતા ગોરિંજા ગામ નજીક પહોંચતા સગર્ભા મહિલાને પ્રસુતિની પીડા વધતી હોવાથી ૧૦૮ ના સ્ટાફ દ્વારા આ મહિલાને એમ્બ્યુલન્સમાં જ પ્રસુતિ કરવામાં આવી હતી. ત્યારબાદ અવતારેલા નવજાત બાળક તેમજ માતાને ઓક્સિજન સહિતની સારવાર સાથે ખંભાળિયાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અહીં માતા અને બાળક સ્વસ્થ હોવાનું જાહેર થયું છે.