દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફોર વ્હીલર્સમાં ઓરીજનલ વિન્ડો ઉપર બ્લેક ફિલ્મ લગાવનાર વાહન ચાલકો તથા આવી ફિલ્મ વેચાણ કરનાર વેપારીઓ વિરૂદ્ધ જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા કડક હાથે કાર્યવાહી કરવામાં આવી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લો આંતરરાષ્ટ્રીય દરિયાઈ સરહદ ધરાવતો તથા ભારતનો પશ્ચિમી વિભાગનો છેવાડાનો સંવેદનશીલ જિલ્લો હોવાથી ફોર વ્હીલર્સ વાહનોમાં બ્લેક ફિલ્મ લગાવનારા તથા ફિલ્મ વેચાણ કરનારા લોકો સામે નિયમ મુજબ કાર્યવાહી કરવા માટે જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા જિલ્લા ટ્રાફિક વિભાગને સુચના આપવામાં આવી હતી. આના અનુસંધાને પી.એસ.આઈ. એન.ડી. કલોતરા તથા તેમની સાથે સ્ટાફના એ.એસ.આઈ. હમીરભાઈ ચંદ્રવાડીયા, કાબાભાઈ ચાવડા, હેડ કોસ્ટેબલ સૂર્યદાનભાઈ સંધીયા તથા દેવરાભાઈ પંડત વિગેરે દ્વારા આ અંગે ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમ્યાન લગાવનાર ડાર્ક ફિલ્મ લગાવનાર ફોર વ્હીલર ચાલકો સામે એમ.વી. એકટ મુજબ મેમો આપી તથા આવા વાહનોમાં ઓરીજનલ વિન્ડોમાં બ્લેક ફિલ્મ લગાડનાર તથા વેચાણ કરવા સબબ અત્રે શુભમ હોસ્પિટલ વાળી ગલીમાં દુકાન ધરાવતા રીસીત મનસુખલાલ ગોહેલ પાસેથી રૂપિયા ૧,૦૦૦ ની કિંમતનો વિન્ડો રોલ તથા દલવાડી હોટલ સામે રહેલા પેન્ટર નકુમ વારા ભાવેશ મનસુખભાઈ નકુમ પાસેથી રૂપિયા ૨,૫૦૦ નો વિન્ડો રોલ કબજે કરી, આ બંને સામે બે શખ્સો સામે મે. જિલ્લા કલેકટરના જાહેરનામાનો ભંગ કરવા બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ટ્રાફિક વિભાગ દ્વારા જુદા જુદા વિસ્તારોમાં અડચણરૂપ વાહનો તેમજ રેંકડીઓ રાખનારા વ્યક્તિઓ સામે પણ ધોરણસર કાર્યવાહી કરવામાં આવી છે.