જૂનાગઢના દુર્વેશનગરમાં ગટરના પાણી ઘરમાં ઘુસી ગયા : ધારાસભ્ય સામે પ્રજાનો રોષ જવાળામુખી બની ફાટયો

0

જૂનાગઢમાં ગઈકાલે પડેલા ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાણી હતી. આ સાથે જ લોકોના ઘરમાં પણ પાણી ઘુસી ગયા હતા અને ભારે નુકશાન પહોંચ્યું હતું. ખાસ કરીને શહેરના દુર્વેશનગરમાં કાળવાના પાણી ઘુસી જતા આ વિસ્તારના લોકોનો રોષ જવાળામુખી બનીને ફાટયો હતો અને આ દરમ્યાન જૂનાગઢના ધારાસભ્યનો પણ એક તકે ઘેરાવ કરી અને તેમને ઉગ્ર રજુઆતો કરવામાં આવી હતી.
જૂનાગઢ શહેરમાં ગઈકાલે સવારથી તેમજ રાત્રીના પણ સતત મેઘવર્ષા રહી હતી. સાંજના ૬ વાગ્યા સુધીમાં સાડા પાંચ ઈંચ કરતા પણ વધારે વરસાદ પડી ગયો હતો. જેના કારણે જૂનાગઢ શહેરના અનેક વિસ્તારો અને સોસાયટીઓમાં ગોઠણ સમા પાણી ઘુસી આવ્યા હતા. લોકોના મકાનોમાં પણ પાણી આવી ગયા હતા. તેમજ ઘરવખરીને પણ ભારે નુકશાન પહોંચ્યું હતું. દરમ્યાન દુર્વેશનગર પાસેથી વહેતા અને નરસિંહ મહેતા સરોવરમાં ભળતા કાળવાના વોકળા કાંઠે એક મકાનની દિવાલ ધારાશાયી થતા ગટરના ગંદા પાણી દુર્વેશનગરમાં ફરી વળ્યા હતા. દુર્વેશનગરના લોકોનો રોષ જવાળામુખી બની ફાટયો હતો. આ દરમ્યાન જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયા દુરવેશનગરમાં આવી પહોંચતા દુર્વેશનગરના લોકોએ તેમને આડે હાથ લીધા હતા અને ઉગ્ર રજુઆતો કરી હતી. આ તકે ધારાસભ્ય સંજય કોરડીયાએ જણાવ્યું હતું કે, નરસિંહ મહેતા સરોવરનું બ્યુટીફિકેશનની કામગીરી ચાલી રહી છે અને અધિકારીઓની અણઆવડતના કારણે આ પાણી દુરવેશનગરમાં ઘુસી આવ્યા છે ત્યારે જવાબદારો સામે પગલા લેવામાં આવશે. બીજીવાર આવું ન બને તે માટે સુચના આપી દેવામાં આવી છે. તેમજ ફાયર સહિતનો સ્ટાફ અહીં બોલાવવામાં આવ્યો છે અને તાત્કાલીક અસરથી કામગીરી કરવામાં આવી રહી છે. તો બીજી તરફ દુર્વેશનગરની સ્થિતિ જાેઈને જૂનાગઢના પુર્વ ધારાસભ્ય મહેન્દ્ર મશરૂ પણ દુરવેશનગર આવી પહોંચ્યા હતા અને ધરણા ઉપર બેસી ગયા હતા.(તસ્વરી ઃ ધર્મેશ ખાચર)

error: Content is protected !!