પરંપરાગત માધ્યમો થકી સરકારની વિવિધ યોજનાઓ અને તેના લાભો સામાન્ય લોકો સુધી પહોંચાડવા તેમજ કલાકારોને પોતાની કલાના પ્રદર્શન માટે યોગ્ય માધ્યમ અને પ્રોત્સાહન આપવા માટે જન-જાગૃતિના કાર્યક્રમો ગુજરાત સરકારના માહિતી વિભાગ દ્વારા હાથ ધરવામાં આવે છે. જેના ભાગરૂપે લોકડાયરાના કાર્યક્રમો તેમજ કઠપૂતળીના કાર્યક્રમો નિયત લાયકાત ધરાવતા કલાકારોને ફાળવવામાં આવે છે. આ લોકડાયરામાં રાજકોટ જિલ્લાના વિવિધ કલાકારો જુદા-જુદા તાલુકાઓના ગામડાઓમાં ભજન, પરંપરાગત સાહિત્ય, તેમજ સામાજિક સંદેશ જેવા કે જીવનમાં શિક્ષણનું મહત્વ, દીકરીને ભણાવી આર્ત્મનિભર બનાવવી, નશામુક્તિ, સ્વચ્છતા અંગે જાગૃતિ, હર ઘર શૌચાલય, પાણીનો સદઉપયોગ અને સંગ્રહ જેવા વિવિધ મુદ્દાઓ અંગે ગ્રામ્ય નાગરિકોને માહિતગાર કરે છે. જેનાથી મનોરંજનની સાથે સાથે સામાજિક પ્રગતિના સંદેશ આપીને સામાન્ય લોકોના દૃષ્ટિકોણમાં સકારાત્મક પરિવર્તન લાવી શકાય છે. રાજકોટ જિલ્લામાં લોકડાયરાના કાર્યક્રમ માટે લોધિકા તાલુકાના વાગુદડ અને ખાંભા, પડધરી તાલુકાના ઉકરડા, ગોંડલ તાલુકાના ગુંદાળા, નવા ગામ અને ડૈયા, કોટડાસાંગાણી તાલુકાના ભાડવા, રાજકોટ તાલુકાના સણોસરા, મેસવડા અને ઢાઢિયા, વીંછીયા તાલુકાના અજમેર, ઉપલેટા તાલુકાના મુરખડા, જામકંડોરણા તાલુકાના બંધિયા સહિતના ગામો તેમજ કઠપૂતળીના કાર્યક્રમ માટે લોધીકા તાલુકાના જસવંતપુર, પાળ છાપરા ગામ અને ખીરસરા રાજકોટ તાલુકાના રામપરા(બેટી), હિરાસર, રાજ સમઢીયાળા અને ત્રંબા ગામ, કોટડાસાંગાણી તાલુકાના અરડોઇ અને વેરાવળ(શાપર) ગામ, ગોંડલ તાલુકાના રીબડા અને દાળિયા ગામ, પડધરી તાલુકાના ખંભાળા, ઢોકળીયા, મેટોડા, સરપદડ, તરઘડી અને મોટા રામપર ગામ, જસદણ તાલુકાના જંગવડ અને આટકોટ સહિતના ગામોમાં કરવામાં આવ્યા હતા. જેનો મોટી સંખ્યામાં ગ્રામજનોએ લાભ લીધો હતો.