કેશોદના ઘેડ પંથકમાં ભારે વરસાદને કારણે ઘોડાપુર આવતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ત્યારે બાલાગામ ગામનાં બે યુવાનો ઓસા ગામે પુર જાેવાં જતાં પાણીમાં તણાઈ ગયા હતાં ત્યારે ગામવાસીઓએ એક યુવાનને બચાવી લીધો હતો ત્યારે એક યુવાન ઉંડા પાણીમાં ગરકાવ થઈ જતાં બચાવ કામગીરી માટે એનડીઆરએફની ટીમ દ્વારા કલાકો સુધી મહેનત કરવા છતાં કોઈ સગડ મળ્યાં નહોતાં. ગઈકાલે વહેલી સવારે એનડીઆરએફની ટીમ દ્વારા ભારે જહેમત બાદ પ્રતીક ભાઈ દાનાભાઈ રાઠોડ રહે.બાલાગામનો મૃતદેહ મળી આવતાં હોડી દ્વારા કિનારે લાવીને એમ્બ્યુલન્સ મારફતે કેશોદ સબ ડિસ્ટ્રીકટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ત્રણ દિવસ સુધી પાણીમાં ગરકાવ થઈ ગયેલ હોય મૃતદેહ પેનલ પોસ્ટમોર્ટમ માટે જામનગર મોકલવામાં આવશે એવું આધારભુત સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. કેશોદ પંથકમાં ઘેડ પંથકમાં આવેલા ઘોડાપુરમાં છ વ્યક્તિઓ ફસાયેલા હતાં જેમાં સુત્રેજ ગામે એર રેસ્કયુ કરી હેલિકોપ્ટર દ્વારા બનાવવામાં આવેલ તેમજ ઘોડાદર ગામે ફસાયેલા બે વ્યક્તિઓને કેશોદ નગરપાલિકા ફાયર બ્રિગેડ ટીમ દ્વારા બચાવવામાં આવ્યા હતાં અને ઓસા ગામે બાલાગામના બે યુવાનો તણાઈ ગયા હતાં જેમાં એક યુવાનને ગામવાસીઓએ બચાવી લીધા હતાં ત્યારે એક યુવાનનો એનડીઆરએફ ટીમ દ્વારા મૃતદેહ શોધવામાં સફળતા મળી હતી.