જૂનાગઢના નરસિંહ મહેતા સરોવરના બ્યુટીફિકેશનની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપો : મુખ્યમંત્રી દ્વારા તપાસના આદેશો જારી

0

જૂનાગઢ શહેરની મધ્યમાં આવેલા નરસિંહ મહેતા સરોવરના બ્યુટીફિકેશનની કામગીરીમાં ભારે મોટો ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો સાથે આઈટીઆઈ એકટીવીસ્ટ વિરલ જાેટવા દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી સહિત ઉચ્ચ કક્ષાએ રજુઆતો કરવામાં આવતા મુખ્યમંત્રી દ્વારા તપાસનો આદેશ જારી કરવામાં આવતા ખળભળાટ મચી જવા પામેલ છે. જૂનાગઢની મધ્યમાં આવેલ નરસિંહ મહેતા સરોવરને અમદાવાદના કાંકરિયા તળાવ જેવું રળિયામણું બનાવવા માટે રાજ્ય સરકારે કરોડો રૂપિયાનો પ્રોજેક્ટ મંજુર કર્યા બાદ શરુ થયેલી કામગીરી સામે સવાલો ઉઠ્‌યાં છે. આ પ્રોજેક્ટમાં સ્પષ્ટ સૂચના અને સર્વોચ્ચ અદાલતનો પણ આદેશ હોવા છતાં સરોવરને ખાબોચિયા જેવું બનાવી દેવાનો વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મુખ્ય સચિવને જૂનાગઢના આ પ્રોજેક્ટ પાછળ ચૂકવવામાં આવેલ રૂા.૯ કરોડની રકમ જેટલું કામ થયું ન હોવા બાબતના આક્ષેપ સાથેની રજૂઆત કરવામાં આવી છે. એટલું જ નહીં, આ પ્રોજેક્ટની જવાબદારી સિવિલ ઇજનેરને બદલે મિકેનિકલ એન્જિનિયરને આપવામાં આવી હોવાની વાત સાથે તાજેતરમાં થયેલી હોનારત પાછળ આ ઇજનેરની બેદરકારી અને આ પ્રોજેક્ટમાં થયેલું કામ જવાબદાર હોવાની તપાસ કરવા માગણી કરવામાં આવી હતી. આ રજૂઆત થયાના માત્ર ૨૪ કલાકમાં જ મુખ્યમંત્રી કાર્યાલયમાંથી આ મામલે તપાસનો આદેશ કરી દેવામાં આવ્યો છે. હાલ જેટલું કામ થયું તેના માટે રૂા.૯ કરોડની માતબર રકમ ચૂકવી દેવામાં આવી છે. પરંતુ સ્થળ ઉપર એટલું કામ થયું હોય તેવી સ્થિતિ નથી. એ ઉપરાંત તળાવમાં નાખવામાં આવેલી માટીનું કામ ધોવાઈ રહ્યું છે. એક સિવિલ એન્જિનિયર જે કામ કરી શકે તે કામ મિકેનિકલ ઈજનેરને સોંપવામાં આવ્યું છે. જેથી અનેક પ્રકારના આક્ષેપો થઇ રહ્યા છે. સાથે સાથે નકશા મુજબ કામ થતું નથી અને કુદરતી જળસ્રોતના ક્ષેત્રફળને ઘટાડી દેવાની બેદરકારી દાખવવામાં આવી છે. આ ઉપરાંત હજુ રૂા.૨ કરોડથી વધુની રકમના વાઉચર મૂકવામાં આવ્યા છે. ત્યારે કામની ચકાસણી કરીને પછી જ બાકીની રકમ ચૂકવવામાં આવે અને કામ થયું એટલું જ બિલ ચૂકવાયું છે કે, તેના કરતા વધુ નાણાં ચૂકવી દેવામાં આવ્યા છે તેની પણ તત્કાલ તપાસ કરવામાં આવે. આથી મુખ્યમંત્રી દ્વારા તપાસનો આદેશ થયો છે. એમ આરટીઆઇ એક્ટિવિસ્ટ વિરલ જાેટવાની ફરિયાદમાં જણાવાયું છે.

error: Content is protected !!