આવક વેરા વિભાગ દ્વારા આજે જૂનાગઢ સહિત રાજકોટ તેમજ અન્ય શહેરોમાં કરચોરી ડામવા માટે અને જવાબદાર સામે પગલા ભરવાના ભાગરૂપે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. જૂનાગઢની જાણીતી સીવીએમ કંપનીમાં પણ આજે આઈટી વિભાગના ઉચ્ચ અધિકારીઓનો કાફલો સવારથી જ ત્રાટકયો હતો અને તપાસની કામગીરી હાથ ધરવામાં આવી હતી. છેલ્લા કેટલાક સમયથી આવક વેરા વિભાગે સામાન્ય તપાસ જ હાથ ધરી અને લાંબા સમયથી ચાલતી કરચોરીને પકડવા માટે આવક વેરા વિભાગ સક્રિય બન્યું છે. ગઈકાલે સોમવારે આઈટી વિભાગના ઉચ્ચ અધિકારીઓની એક મહત્વની બેઠક મળી હતી અને જૂનાગઢ, રાજકોટ તેમજ ગુજરાતના વિવિધ જાણીતી કંપનીઓ, ઉદ્યોગપતિઓ, જવેલર્સ, બિલ્ડરર્સ અને ઉદ્યોગપતિઓની નામાવલી તૈયાર કરી અને તપાસ માટે આદેશો જારી કરવામાં આવેલા હતા અને વિવિધ ટીમ તપાસ માટે ઉપડી હતી. આજે જૂનાગઢની જાણીતી સીવીએમ કંપનીમાં પણ આઈટી વિભાગનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હોવાનું નીકટના સુત્રોએ જણાવ્યું હતું. આ તપાસ બાદ આવક વેરાની ચોરી થઈ છે કે નહી તે તપાસ બાદ બહાર આવશે તેમ જાણવા મળે છે.