ખંભાળિયા તાલુકાના નજીક આવેલા કુબેર વિસોત્રી રહેતા એક પરિવારના રહેણાંક મકાનમાં રાત્રિના સમયે તસ્કરોએ ત્રાટકી અને કબાટમાં રાખવામાં આવેલા સોના-ચાંદીના જુદા જુદા પ્રકારના દાગીનાઓ મળી, કુલ રૂપિયા ૪.૩૪ લાખનો મુદ્દામાલ ઉસેડી ગયા હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ પ્રકરણની પોલીસ સૂત્રો દ્વારા જાળવવા મળતી વિગત મુજબ ખંભાળિયા તાલુકાના કુબેર વિસોત્રી ગામે રહેતા અને ખેત વ્યવસાય સાથે સંકળાયેલા નરેન્દ્રસિંહ તખુભા જાડેજા નામના ૩૫ વર્ષના ગરાસીયા યુવાનના ઘરના સદસ્યો ગત તારીખ પાંચમીના રોજ રાત્રિના સમયે સુઈ ગયા હતા. બાદમાં તારીખ ૬ ના રોજ સવારના છ વાગ્યાના સમયે ઉઠતા તેમના રહેણાંક મકાનમાં ચોરી થઈ હોવાનું તેમના ધ્યાને આવ્યું હતું. આ રહેણાંક મકાનમાં રાત્રિના સમયે તસ્કરોએ પ્રવેશ કરી અને ઘરમાં રહેલા કબાટનો લોક કોઈપણ રીતે ખોલી અને તેમાં રાખવામાં આવેલા રૂપિયા ૬૨,૦૦૦ ની કિંમતના બે સોનાના ચેન, રૂપિયા ૩૧ હજારની કિંમતની એક તોલા સોનાની લક્કી, રૂપિયા ૪૬,૫૦૦ ની કિંમતનું દોઢેક તોલા સોનાનું પેન્ડલ, રૂપિયા ૧.૨૪ લાખની કિંમતના સોનાના ચાર તોલા જેટલા વજનના બે સેટ, રૂપિયા ૬૨,૦૦૦ ની કિંમતનો આશરે બે તોલા સોનાનો એક પંજાે, રૂપિયા ૪૬,૫૦૦ ની કિંમતના દોઢેક તોલા વજનના ચીપવાળા છ સોનાના ચુડલા, રૂપિયા ૬૨,૦૦૦ ની કિંમતની બે તોલા જેટલા વજનની બે નંગ વીંટી મળી આશરે ૨૪ તોલાના દાગીનાની ચોરી થયાનું ખુલવા પામ્યું છે. તસ્કરોએ કુલ રૂપિયા ૪,૩૪,૦૦૦ નો મુદ્દામાલ ચોરી કરીને લઈ ગયા અંગેની ફરિયાદ નરેન્દ્રસિંહ તખુભા જાડેજાએ સલાયા મરીન પોલીસ મથકમાં નોંધાવી છે. જે સંદર્ભે સલાયાના ઈન્ચાર્જ પી.આઈ. વી.એન. સિંગરખીયા તથા સ્ટાફ દ્વારા ડોગ સ્કવોડ તથા એફ.એસ.એલ.ના નિષ્ણાતોની ટીમ બોલાવવાની તજવીજ કરી, તસ્કરોની શોધખોળ હાથ ધરી છે. ચોરીના આ બનાવે નાના એવા કુબેર વિસોત્રી ગામમાં ભારે ચકચાર પ્રસરાવી છે.