માંગરોળની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓ પાસેથી ચાર્જ લેવાતા રોષ

0

માંગરોળમાં રોગી કલ્યાણ સમિતિની બેઠકમાં સરકારી હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓ પાસેથી ઓપીડી કેસ, એક્સ રે સહિતના વિવિધ ચાર્જ વસુલવાના કરાયેલા ર્નિણયની અમલવારી સામે ચોમેરથી વિરોધ ઉઠયો છે. સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સરેરાશ ૪૦૦થી વધુ ઓપીડી રહેતી હોય અને મુખ્યત્વે સાધારણ આર્થિક સ્થિતિ ધરાવતા દર્દીઓ લાભ લેતા હોય, આ ર્નિણય પરત લેવા માંગ ઉઠી છે. માંગરોળ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રાંત અધિકારી(કેશોદ)ની અધ્યક્ષતામાં રોગી કલ્યાણ સમિતિની બેઠક મળી હતી. જેમાં સરકારી હોસ્પિટલમાં ઓપીડી કેસના ૧૦ રૂા., ફિઝિકલ ફીટનેશ સર્ટી.ના ૧૦૦ રૂા. તથા એક્સ રે માટે રૂા.૫૦ મુજબનો ચાર્જ વસુલવા ઠરાવ કરાયો હતો. જેની જુલાઈ માસથી અમલવારી કરવા ર્નિણય કરાયો હતો. દસકાઓથી કાર્યરત આ હોસ્પિટલમાં લોકો અત્યાર સુધી આરોગ્ય સંબંધિત સેવાઓ વિના મુલ્યે મેળવતા હતા. હાલ પણ શહેર તથા તાલુકાનો મર્યાદિત આવક ધરાવતો મોટો વર્ગ આ હોસ્પિટલનો લાભ લે છે. ત્યારે આ ર્નિણયને પગલે ખેતમજુરો, પશુપાલકો, નાના વેપાર ધંધા કરી માંડ બે છેડા ભેગા કરતાં લોકોમાં કચવાટ ફેલાયો છે. આ ઉપરાંત અનેક રાજકીય સંગઠનોએ પણ આ ર્નિણય પ્રજાલક્ષી નિતિ વિરૂદ્ધ અને ગરીબ પ્રજા ઉપર બોજ સમાન ગણાવી સેવાઓ વિના મુલ્યે જ ઉપલબ્ધ કરાવવા તેમજ હાલ હોસ્પિટલમાં ખાલી સર્જન, ગાયનેક તેમજ ઓર્થોપેડીક ડોકટરોની જગ્યાઓ ઉપર નિમણુંકો આપવા ઉચ્ચ કક્ષાએ માંગણી કરી છે.

error: Content is protected !!