ખંભાળિયાના પૂર્વ મામલતદાર ચિંતન વૈષ્ણવને નોકરીમાંથી બરતરફનો હુકમ સરકાર દ્વારા પરત ખેંચાયો

0

હાઇકોર્ટ દ્વારા કરવામાં આવેલા આદેશનો અમલ થયો

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં ભારે વિવાદવાળી તથા ભારે લોકપ્રિય એમ બંને પ્રકારની કામગીરી કરનારા તત્કાલીન મામલતદાર ચિંતન વૈષ્ણવને રાજ્ય સરકારના મહેસુલ વિભાગ દ્વારા અગાઉ ડીસમિસ કરાયેલા. તેમને હાઇકોર્ટના હુકમથી ફરી ફરજ ઉપર લેવા માટેનો હુકમ કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ખંભાળિયામાં મામલતદાર તરીકે ચિંતન વૈષ્ણવના ફરજકાળ દરમ્યાન તેઓએ અનેક બોગસ જમીન ખાતેદારોને ખુલ્લા પાડ્યા હતા તથા શહેરમાં કથિક રીતે નિયમ વિરૂદ્ધ ફટાકડાના લાયસન્સ ના આપવા બાબતે વિવાદ થતા આ અંગે ઉચ્ચકક્ષાએ ફરિયાદો થઈ હતી. જેથી સૌપ્રથમ તેમને સસ્પેન્ડ કરાયા બાદ ડીસમિસ કરવામાં આવ્યા હતા. જેનો હુકમ મહેસુલ વિભાગે તારીખ ૨-૦૩-૨૦૧૯ ના રોજ કરતા ચિંતન વૈષ્ણવે આ બાબતે હાઇકોર્ટમાં ગયા હતા. તેમની અરજીમાં હાઇકોર્ટે ૧૫૧૭/૨૦૨૨ ની અરજી અન્વયે ચિંતન વૈષ્ણવને મામલતદાર સંવર્ગ સેવામાં પુનઃ પ્રસ્થાપિત કરવા આદેશ કર્યો હતો. જેથી મહેસુલ વિભાગ દ્વારા તા. ૧૦-૦૭-૨૦૨૩ ના હુકમ કરીને ચિંતન વૈષ્ણવને હુકમ મળ્યાથી સાત દિવસમાં હાજર થવા જણાવ્યું છે. ચિંતન વૈષ્ણવનો અજમાયસી સમય પણ તારીખ ૯-૦૫-૨૦૧૩ ના રોજ પૂર્ણ ગણી લાંબા ગાળાના ધોરણે કાયમી નિમણૂક કરવામાં આવી હતી તથા તારીખ ૨-૦૩-૧૯ થી તેઓ હાજર થાય ત્યાં સુધી પગાર ભથ્થાની ચુકવણી પણ કરવા આદેશ કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ડિસમિસ થયેલા મામલતદાર ચિંતન વૈષ્ણવ તેમના મોટસાયકલ ઉપર ફરવાના શોખ અને સાહસથી જાણીતા હતા. છેલ્લે સોશિયલ મીડિયા ઉપર સરકારે તેમને ડિસમિસ કરતા જૂનાગઢમાં ભજીયા વેચવા ગુજરાતના એક વખતના સનદી અધિકારીએ કામ કરવું પડતું હોવાના વિડીયો ખૂબ જ વાયરલ થયા હતા. ડીસમિસ થયા બાદ તેમણે ઉચ્ચ અભ્યાસ કરી અને ડોક્ટરની ડિગ્રી પણ મેળવી લીધી છે. ખંભાળિયામાં તેમના ફરજકાળ દરમ્યાન નાના માણસોના કામોના ઝડપી નિકાલની સેવાને આજે પણ લોકો યાદ કરે છે. અહીં જમીનના બોગસ ખાતેદાર પ્રકરણમાં તેમનું નામ ખૂબ ચર્ચામાં આવ્યું હતું. ડો. ચિંતન વૈષ્ણવને પુનઃ નોકરીમાં લેવા માટે કરવામાં આવેલા હુકમમાં સંદર્ભે ભવિષ્યમાં સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટમાં દાખલ થનાર એસ.એલ.પી.માં આવનાર ચુકાદાને આધીન રહેવાનું પણ હુકમમાં જણાવ્યું છે.સોશિયલ મીડિયામાં ચિંતન વૈષ્ણવ સિંઘમના નામથી મશહૂર હતા તથા યુટ્યુબ ઉપર તેમને ફરજ મુક્ત કેમ કરવામાં આવ્યા તેના વિડીયો પણ ખૂબ જ વાયરલ થયા હતા. તેમના દ્વારા છેલ્લા કેટલાક સમયથી જૂનાગઢ ખાતે વિવિધ પ્રકારના ડીગ્રી કોર્સ કરતાં વિદ્યાર્થીઓને મહત્વનું માર્ગદર્શન પણ આપવામાં આવતું હતું.

error: Content is protected !!