માંગરોળમાં બેંકનું લેણું ભરપાઈ ન થતા રેડીમેઈડ ગારમેન્ટના શો રૂમને સીલ કરાયો

0

પ્રાઈવેટ બેંકમાંથી લોન લીધા બાદ હપ્તા, વ્યાજ સહિત ૩.૭૦ કરોડની ચઢત રકમનું બેંકનું લેણું ભરપાઈ ન થતાં માંગરોળના રેડીમેઈડ ગારમેન્ટસના શો રૂમને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જાે કે “કરે કોઈ અને ભરે કોઈ” એ મુજબ આ મિલકત સાથે જાેડાયેલી અને છેલ્લા ૪૩ વર્ષથી ભાડુઆત એવી પ્રતિષ્ઠિત પેઢીની દુકાનને પણ સીલ મારી દેવાતા વેપારીની સ્થિતિ કફોડી બની છે. શહેરના પીપરીચોરાથી તદન નજીક કાપડ બજારમાં અમુલ રેડીમેઈડ નામની દુકાન આવેલી છે. જેના માલિકોએ ખાનગી બેંકની રાજકોટની શાખામાંથી મોટી રકમની લોન લીધી હતી. પરંતુ લાંબા સમયથી હપ્તા ભરવામાં નિષ્ફળ જતાં બેંક દ્વારા નોટીસ આપવામાં આવી હતી. આખરે તાજેતરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રેડીમેઈડની દુકાનોને સીલ મારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જાે કે મુળ માલિકોએ લોનના હપ્તા ન ચુકવતા, તેઓ પાસેથી બાજુમાં આવેલી દુકાન ભાડે રાખનાર અને વર્ષોથી ભાડુઆતી હક્ક ધરાવતા ચા, ખાંડના વેપારીને ભોગ બનવું પડ્યું છે. વર્ષોથી નિયમિત દુકાનનું ભાડું, લાઈટ બિલ, કરવેરા ચુકવતા ભાડુઆત એવા લક્ષ્મી ટ્રેડર્સ નામની પેઢીને કોઈ પણ લેખિત કે મૌખિક જાણ કર્યા વિના તેઓની દુકાનને પણ સીલ મારી દેવાતા વેપારી વર્ગમાં આ વાત ચર્ચાનું કેન્દ્ર બની છે. આ દુકાન બેન્કમાંથી લોન લેનાર અમુલ રેડીમેઈડ પેઢીના માલિકોએ અગાઉ અન્ય કોઈ પાસેથી વેંચાતી લીધી હતી. વેપારીના જણાવ્યા મુજબ સીલ કરાયેલી દુકાનમાં એકાદ લાખની કિંમતનો માલ છે. ત્યારે સમગ્ર મામલે હવે ભાડુઆત વેપારીએ કાનુની લડત આપવા નક્કી કર્યુ છે.

error: Content is protected !!