ર૩ હજાર ચોરસ મીટર વિસ્તારમાં બનાવવામાં આવ્યું છે પેસેન્જર ટર્મિનલ : પીક અવર્સમાં દર કલાકે ૧૨૮૦ મુસાફરોનું સંચાલન કરવા સક્ષમ : રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર તેમજ એરપોર્ટ ઓથોરિટી દ્વારા લોકાર્પણની તડામાર તૈયારીઓ
સૌરાષ્ટ્ર તથા ગુજરાતના આર્થિક વિકાસની ઉડાનને નવી ગતિ આપનારા ‘ન્યૂ ઈન્ડિયા’ના પ્રણેતા તથા પ્રેરકદ્રષ્ટા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ૨૭ અને ૨૮ જુલાઈ ૨૦૨૩ના રોજ ગુજરાતની બે દિવસીય યાત્રા ઉપર છે. તેઓ ૨૭મી જુલાઈ ૨૦૨૩ના રોજ પીએમ ગતિશક્તિ પ્રોજેક્ટ હેઠળ સમાવિષ્ટ ગુજરાતના પ્રથમ હિરાસર ‘રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ’ ગ્રીનફિલ્ડનું લોકાર્પણ કરશે. આ માટે હાલ રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર તેમજ એરપોર્ટ ઓથોરિટી દ્વારા તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. રાજકોટ તેના નાના પાયાના તેમજ મોટા ઉદ્યોગોને કારણે ગુજરાત અને ભારત માટે એક મહત્વપૂર્ણ આર્થિક કેન્દ્ર છે. આ શહેર વૈશ્વિક પરિપ્રેક્ષ્ય સાથે જટિલ પુરવઠા શૃંખલાઓમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે, જેમાં ઝડપથી વધારો થવાની અપેક્ષા છે. આંતરરાષ્ટ્રીય બજાર સાથે એર કનેક્ટિવિટી ઔદ્યોગિક વિકાસને વેગ આપશે, જે બદલામાં રોજગારીની નવી તકો પેદા કરશે. આ ઉપરાંત, નવા એરપોર્ટને કારણે રાજકોટમાં ઘણો વ્યાવસાયિક વિકાસ પણ થશે. આ એરપોર્ટ અમદાવાદ-રાજકોટ હાઇવે ઉપર સ્થિત છે, જેના કારણે આ એરપોર્ટ આ વિસ્તારમાં આવેલા બહુવિધ ઉદ્યોગો માટે લોજિસ્ટિક્સ સંબંધિત સમય અને ખર્ચમાં ઘટાડો કરશે. મોરબીના સિરામિક ઉદ્યોગ અને જામનગરના અન્ય ઉદ્યોગો પણ એર કનેક્ટિવિટી માટે રાજકોટ ઉપર ર્નિભર છે. આ નવું એરપોર્ટ ટ્રાવેલ લોજિસ્ટિક્સ, હોટેલ ઉદ્યોગ, રેસ્ટોરાં, વેરહાઉસ-કાર્ગો હેન્ડલિંગ, ક્લીયરિંગ બિઝનેસ વગેરેને પ્રોત્સાહન આપશે. ઉલ્લેખનીય છે કે, ૭ ઓક્ટોબર ૨૦૧૭ના રોજ વડાપ્રધાનશ્રીએ જ ચોટીલા પાસે આવેલા હિરાસર ગામમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટના નિર્માણ અર્થે ભૂમિપૂજન કર્યું હતું. હવે સૌરાષ્ટ્ર તથા ગુજરાતના આર્થિક વિકાસની ઉડાનને નવી ગતિ આપનારા આ એરપોર્ટનું તેમના વરદહસ્તે લોકાર્પણ થવા જઈ રહ્યું છે, ત્યારે સૌરાષ્ટ્રના લોકોમાં ઉત્સાહનો માહોલ છે. વર્ષ ૨૦૧૭માં ભૂમિપૂજન બાદ નવા ગ્રીનફીલ્ડ એરપોર્ટના નિર્માણ માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને ગુજરાત સરકારના નાગરિક ઉડ્ડયન વિભાગ વચ્ચે સમજૂતિ કરાર થયા હતા.
હિરાસર ગ્રીનફિલ્ડ એરપોર્ટની વિશેષતાઓ
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટને પીએમ ગતિશક્તિ પ્રોજેક્ટ હેઠળ સમાવિષ્ટ કરવામાં આવ્યું છે. રાજકોટથી આશરે ૩૦ કિલોમીટર દૂર, નેશનલ હાઇવે નં-૨૭ નજીક હિરાસર ગામ પાસે રૂા.૧૪૦૫ કરોડના ખર્ચે આંતરરાષ્ટ્રીય ગ્રીનફીલ્ડ એરપોર્ટનું નિર્માણ થયું છે. સમગ્ર એરપોર્ટ સંકુલ ૧૦૨૫.૫૦ હેક્ટર (૨૫૩૪ એકર)માં ફેલાયેલું છે, જેમાં ૧૫૦૦ એકરમાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા એરપોર્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ એરપોર્ટ ૩૦૪૦ મીટર (૩.૦૪ કિમી) લાંબો અને ૪૫ મીટર પહોળો રન-વે ધરાવે છે, જેના ઉપર એકસાથે ૧૪ વિમાનો પાર્ક થઈ શકશે. ૫૦,૮૦૦ ચોરસ મીટરમાં એપ્રન બેય્ઝ બનાવવામાં આવ્યો છે. ૨૩ હજાર ચોરસ મીટરમાં પેસેન્જર ટર્મિનલ બનાવવામાં આવ્યું છે. આ ટર્મિનલ પીક અવર્સમાં દર કલાકે ૧૨૮૦ મુસાફરોનું સંચાલન કરી શકાશે. આ નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટ ઉપરથી ‘ઝ્ર’- ટાઇપ પ્લેન પણ ઓપરેટ કરી શકાશે, અને ભવિષ્યમાં ‘ઈ’- ટાઇપ પ્લેન માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આનાથી રાજકોટ અને સૌરાષ્ટ્રના લોકો એરબસ એ-૩૮૦, બોઇંગ ૭૪૭ અને બોઇંગ ૭૭૭ જેવા મોટા કદના વિમાનોની સેવાઓ મેળવી શકશે. એરપોર્ટ ઉપર સોલાર પાવર સિસ્ટમ, ગ્રીન બેલ્ટ તથા રેઈન વોટર હાવેર્સ્ટિંગ સિસ્ટમ પણ લગાવવામાં આવી છે. આ એરપોર્ટ ઉપર પેરેલલ હાફ ટેક્સી-વે, રેપિડ એક્ઝિટ ટેક્સી ટ્રેક, ઇન્ટરિમ ટર્મિનલ બિલ્ડિંગ, કાર્ગો અને એમઆરઓ /હેન્ગર્સની સુવિધા પણ ઉપલબ્ધ થશે. ગ્રીનફિલ્ડ એરપોર્ટને તાજેતરમાં ઇન્ટરનેશનલ એરોનોટિકલ ઇન્ફોર્મેશન પબ્લિકેશન(છ.ૈં.ઁ) ટેગ આપવામાં આવ્યું છે. આ ટેગ એરક્રાફ્ટના સંચાલન માટે ખૂબ મહત્વનો ગણાય છે. આ એરપોર્ટ વિશિષ્ટ સુવિધાઓથી સજ્જ હશે, જેમાં ચાર પેસેન્જર બોર્ડિંગ બ્રિજ, ત્રણ કન્વેયર બેલ્ટ અને ૮ ચેક-ઇન કાઉન્ટર્સ (ભવિષ્યમાં બીજા ૧૨ ચેક-ઇન કાઉન્ટર્સ બનાવવામાં આવશે) નો સમાવેશ થાય છે. આ સાથે જ, આ એરપોર્ટ અદ્યતન ફાયર ફાઇટિંગ અને ફાયર એલાર્મ સિસ્ટમથી સજ્જ હશે. એર ટ્રાફિક કંટ્રોલર (છ.્.ઝ્ર), ઇન્ટરિમ ટર્મિનલ બિલ્ડિંગ અને ફાયર સ્ટેશન ઉપરાંત ૫૨૪ એકરમાં ફેલાયેલા સિટી સાઇડ એરિયામાં લેન્ડસ્કેપિંગ, કાર, ટેક્સી અને બસ પાર્કિંગની સુવિધાઓ બનાવવામાં આવી છે. એરપોર્ટની ગેલેરી ગુજરાતના સમૃદ્ધ વારસા અને પરંપરાઓની ઝલક પૂરી પાડે છે. આ ગેલેરી રણજીત વિલાસ પેલેસ, દાંડિયા અને રાજ્યના લોકનૃત્યોની કલાથી શણગારવામાં આવી છે.
ગ્રીનફિલ્ડ એરપોર્ટ એટલે શું ?
ગ્રીનફિલ્ડ એરપોર્ટ એટલે એવું એરપોર્ટ કે જે ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ હોય. જ્યાં ઈન્ટરનેશનલ એરપોર્ટનું પાયાથી બાંધકામ શરૂ થયું હોય, કોઇ હયાત એરપોર્ટ કે માળખામાં બદલાવ કે અપગ્રેડ કરીને બનાવાયું ન હોય. સામાન્ય રીતે શહેરની બહાર આવેલી ખેતીની કે વણવપરાયેલી જમીન ઉપર શૂન્યમાંથી સર્જન કરીને પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવે તેને ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ કહેવામાં આવે છે. આવા પ્રોજેક્ટ માટે એવી જમીન સંપાદિત કરવામાં આવે છે કે જેનું માળખું ન્યૂનતમ હોય છે, જેનો ફાયદો એ છે કે જમીન ઉપર કોઈ જૂનું બાંધકામ કે રોડ ન હોવાથી નવા પ્રોજેક્ટની ડિઝાઇન માટે કોઇ મર્યાદા નડતી નથી, તરત જ નિર્માણકાર્ય શરૂ કરી શકાય છે અને ખાલી જમીનના ઉપયોગ થકી વિકાસ થાય છે. ઉપરાંત આવી જમીન ઉપર મોટો પ્રોજેક્ટ કરવા માટે શહેરના બહારના અવિકસિત વિસ્તારમાં માળખાગત સુવિધાઓના નિર્માણ સાથે નવા ધંધા રોજગારની તકો ઉભી થાય છે.
ભારતના ગ્રીનફિલ્ડ એરપોર્ટસ
દેશમાં વધતા જતાં હવાઇ સફર ઉદ્યોગને લીધે હાલના એરપોર્ટસ ઉપર એર ટ્રાફિક ગીચ ન બને અને વિમાનોનું સંચાલન સારી રીતે કરી શકાય તે માટે નવા સુવિધાયુક્ત એરપોર્ટ બનાવવાની જરૂરિયાત સમજીને ભારત સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા ગ્રીનફિલ્ડ એરપોર્ટસ પોલિસી-૨૦૦૮ અમલમાં મુકવામાં આવી છે, જે અંતર્ગત સમગ્ર દેશમાં ગ્રીનફિલ્ડ એરપોર્ટના નિર્માણ સંબંધિત વિગતવાર માર્ગદર્શિકા, પ્રક્રિયાઓ અને તબક્કાઓ નિર્ધારિત કરવામાં આવ્યાં છે. ય્હ્લછ નીતિ હેઠળ પ્રોજેક્ટના પ્રસ્તાવક, એરપોર્ટ ડેવલપર અથવા ગ્રીનફિલ્ડ એરપોર્ટની સ્થાપના કરવા ઇચ્છુક સંબંધિત રાજ્ય સરકારે ‘સાઇટ ક્લિયરન્સ’ અને ‘સૈદ્ધાંતિક’ મંજૂરી-એમ બે તબક્કાની મંજૂરી પ્રક્રિયા માટે નાગરિક ઉડ્ડયન મંત્રાલયને દરખાસ્ત મોકલવાની હોય છે. ય્હ્લછ નીતિ હેઠળ, ભારત સરકારે ગુજરાતમાં ધોલેરા અને હિરાસર સહિત અન્ય રાજ્યોમાં કૂલ ૨૧ ગ્રીનફિલ્ડ એરપોર્ટ સ્થાપવા માટે ‘સૈદ્ધાંતિક’ મંજૂરી આપી છે. આમાંના ૧૧ ગ્રીનફિલ્ડ એરપોર્ટ કાર્યરત પણ થઇ ગયા છે. જેમાં દુર્ગાપુર, શિરડી, કન્નુર, પાક્યોંગ, કલબુર્ગી, ઓરવાકલ (કુર્નૂલ), સિંધુદુર્ગ, કુશીનગર, ઇટાનગર, મોપા અને શિવમોગા એરપોર્ટનો સમાવેશ થાય છે. હિરાસર એરપોર્ટ દેશનું ૧૨મું ગ્રીનફિલ્ડ એરપોર્ટ બનશે. આ ૨૧ એરપોર્ટ ઉપરાંત રાજસ્થાનમાં અલવર, મધ્ય પ્રદેશમાં સિંગરૌલી અને હિમાચલ પ્રદેશમાં મંડી ગ્રીનફિલ્ડ એરપોર્ટને કેન્દ્ર સરકાર દ્વારા પ્રથમ તબક્કાની ‘સાઇટ ક્લિયરન્સ’ મંજૂરી આપવામાં આવી છે. આ પોલિસીમાં ઉદારીકરણ લાવીને હવે નવા એરપોર્ટ વિકસાવવાને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે, જેથી એરપોર્ટ ઇનફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ દ્વારા વિકસતા જતા ભારતની આકાંક્ષાને અનુરૂપ વિકાસ નાગરિક ઉડ્ડયન ક્ષેત્રમાં પણ સાધી શકાય. દેશમાં ૩ વર્ષમાં ૬ નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટ શરૂ કરવામાં આવનાર છે, જેમાં હિરાસર ઉપરાંત નવી મુંબઈ, વિજયપુરા, હસન, નોઈડા(જેવર) અને ધોલેરાનો સમાવેશ થાય છે.