જૂનાગઢના કડિયાવાડમાં ૫૦ વર્ષ જૂની ઇમારત કકડભુસ કરતી તુટી પડી, ૪ નિર્દોષે જાન ગુમાવ્યા

0

જૂનાગઢ શહેરને શનિવારે પડેલા ભારે વરસાદથી થયેલ નુકસાનીની કળ હજુ વળી ન હતી. રવિવારે પણ આખો દિવસ શહેરમાં તારાજીના દ્રશ્યો જાેવા મળ્યા હતા. ત્યાં સોમવારે બપોરના બારેક વાગ્યા આસપાસ શહેરના કડિયાવાડમાં આવેલ અત્યંત જર્જરિત ૨ માળનું બિલ્ડીંગ ધડાકાભેર તૂટી પડ્યું હતું. બિલ્ડીંગ પડ્યાની જાણ થતા સ્થાનિક લોકો તુરત દોડી ગયા હતા અને બિલ્ડીંગના મલબાને હટાવી બચાવની કામગીરીમાં લાગી ગયા હતા. બાદમાં એનડીઆરએફની ટીમ પણ પહોંચી હતી અને બચાવની કામગીરીમાં લાગી ગઇ હતી. દરમ્યાન આ બિલ્ડીંગ તૂટી પડતા તેના નીચે કુલ ૬ લોકો દબાયા હતા તેમાંથી ૩ના મૃતદેહ મળ્યા છેે. બપોરના ૧૨ વાગ્યાની આ દુર્ઘટનાના ૭ કલાક પછી સાંજના ૭ વાગ્યા સુઘીમાં કુલ ૪ના મૃતદેહ મળ્યા છે. ત્યારે હવે હજુ કેટલા લોકો અંદર દબાયા છે, તેમાંથી કેટલા જીવિત છે કે મોતને ભેટ્યા છે તે તો પૂરો મલબો હટ્યા બાદ જાણવા મળશે. સાજે અંધારૂ થતા હેલોઝનો લાઇટો લગાવીને બચાવની કામગીરી જારી રખાઇ છે. રિક્ષા ચલાવવાનો ધંધો કરતા સંજયભાઇ ડાભીના બે પુત્રો તરૂણ અને દક્ષ બન્ને બિમાર હતા. ત્યારે સંજયભાઇ રિક્ષા લઇને બન્ને ભાઇઓ અને તેમના પત્નીને લઇને દવાખાને ગયા હતા. બાદમાં દવાખાનેથી પરત આવતા હતા ત્યારે જ્યાં આ બિલ્ડીંગ પડ્યું હતું તેની બાજુમાં સંજયભાઇના પત્નીએ રિક્ષા ઉભી રખાવી અને તેઓ શાકભાજી લઇ રહ્યા હતા. શાકભાજી લેતા હતા ત્યારે આ બિલ્ડીંગ પડ્યું હતું જેમાં સંજયભાઇ ડાભી અને તેમના બન્ને પુત્રો તરૂણ ડાભી અને દક્ષ ડાભી દબાઇ ગયા હતા. જ્યારે શાકભાજી લેવા ગયેલા સંજયભાઇ ડાભીના પત્નીનો બચાવ થયો હતો. કડિયાવાડમાં ધરાશાયી થયેલી ઇમારત હેઠળ કચડાયેલા મૃતકોના પરિવારે હૃદયદ્રાવક આક્રંદ કર્યુ હતું. સ્વજનોને ગુમાવવાની વેદનાનો આ વલોપાત નિંભર પ્રશાસનને કેટલા અંશે ઢંઢોળી શકશે તે સવાલ છે.

error: Content is protected !!