૨૬ જુલાઈ : આંતરરાષ્ટ્રીય મેન્ગ્રૂવ ઇકોસિસ્ટમ સંરક્ષણ દિવસ

0

‘દરિયાઈ કલ્પવૃક્ષ’ તરીકે ઓળખાતા ચેર વૃક્ષો (મેન્ગ્રૂવ) વાતાવરણમાંથી ૧૦ થી ૧૫ ટકા જેટલો કાર્બનનો નાશ કરતા હોવાથી જૈવ વિવિધતા વધારવામાં અત્યંત લાભદાયી : ઇકોલોજીકલ સ્ટેબિલાઇઝેશન, જમીનની જાળવણી અને નિર્માણ સહીત દરિયાઈ ચક્રવાતો સામે રક્ષણ પૂરૂ પાડવામાં મેન્ગ્રૂવ જંગલો ખૂબ જ મહત્વપૂર્ણ : ગુજરાતમાં કચ્છ, કચ્છનો અખાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત અંદાજે ૧૧૦૩ ચોરસ કિલોમીટર વિસ્તારોમાં ૧૫ જેટલી પ્રજાતિઓ સાથે મેન્ગ્રૂવ કવરનું આચ્છાદન

યુનેસ્કો દ્વારા મેન્ગ્રૂવ ઇકોસિસ્ટમ વિશે જાગૃતિ લાવવા અને તેમના ટકાઉ સંચાલન અને સંરક્ષણને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે ૨૬ જુલાઈના રોજ ‘મેન્ગ્રૂવ ઇકોસિસ્ટમ દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. મેન્ગ્રૂવ એ એક નાનું ઝાડ અથવા વૃક્ષ જેવું હોય છે, જે દરિયાકાંઠે ઉગે છે. મેન્ગ્રૂવના મૂળ ખારા કાંપમાં ડૂબેલા હોય છે. ‘દરિયાઈ કલ્પવૃક્ષ’ તરીકે ઓળખાતા આ વૃક્ષો પર્યાવરણ માટે અનેક રીતે ફાયદારૂપ છે. તો ચાલો આજે વિગતે સમજીએ મેન્ગ્રૂવ કે ચેર ઇકોસિસ્ટમ, તેના અનેકવિધ લાભો અને તેના સંરક્ષણ વિશે.
મેન્ગ્રૂવનું મહત્વ
• મેન્ગ્રૂવ ઇકોલોજીકલ સ્ટેબિલાઇઝેશન માટે તથા જમીનની જાળવણી અને નિર્માણમાં મહત્વપૂર્ણ છે.
• દરિયામાં આવતા ચક્રવાતો સામે મેન્ગ્રૂવ રક્ષણ પૂરૂ પાડે છે.
• જમીન સંવર્ધનને ગતિ મળે છે અને દરિયાકાંઠાનો વિસ્તાર થાય છે.
• મેન્ગ્રૂવ હોય તેવી જગ્યાએ પવનનું વિસર્જન થતાં ભરતી અને તરંગ ઊર્જાના ઉત્પાદનમાં તે નોંધપાત્ર ફાળો આપે છે.
• મેન્ગ્રૂવ જળ શુદ્ધિકરણનું કામ કરે છે, તે વહેતા પાણીમાં રહેતા તત્વોને શોષી લઈ પાણીની ગુણવત્તા સુધારે છે.
• મેન્ગ્રૂવ વાતાવરણમાંથી ૧૦ થી ૧૫ ટકા જેટલો કાર્બનનો નાશ કરે છે. જેથી તે જૈવ વિવિધતા વધારવામાં મદદરૂપ બને છે.
• પક્ષીઓ, માછલીઓ, સસ્તન પ્રાણીઓ, છોડ અને અન્ય વન્યજીવની વિશાળ શ્રેણીઓ મેન્ગ્રૂવ વિસ્તારમાં સુરક્ષિત રીતે વિકસી શકે છે.
• દરિયાકાંઠે રહેતા સમુદાયો માટે મેન્ગ્રૂવ ખૂબ જ મહત્વના સ્ત્રોત છે.
રાજ્યમાં મેન્ગ્રૂવનો વિસ્તાર અને તેનું મહત્વ ભારત દેશના ૯ દરિયાઈ રાજ્યો તથા ૩ કેન્દ્રશાસિત પ્રદેશોમાં મેન્ગ્રૂવ જંગલો આવેલા છે. દેશમાં મેન્ગ્રૂવ જંગલોના વિસ્તારની દ્રષ્ટીએ પશ્ચિમ બંગાળ બાદ ગુજરાત બીજું રાજ્ય છે. ભારતમાં મેન્ગ્રૂવ વિસ્તાર ધરાવતા દરિયાઈ રાજ્યોના ત્રણ મોટા અખાતમાંથી બે અખાત ગુજરાત રાજ્યમાં આવેલા છે. ગુજરાત રાજ્ય અંદાજે ૧૧૦૩ ચોરસ કિલોમીટર જેટલા વિસ્તારમાં ફેલાયેલું મેન્ગ્રૂવ કવર ધરાવે છે. સમયાંતરે રાજ્ય સરકારના પ્રયાસોને પરિણામે રાજ્યના મેન્ગ્રૂવ કવરમાં સુધારો થયો છે. ગુજરાત રાજ્યની વસ્તીનો મોટાભાગનો હિસ્સો દરિયાકાંઠાની ઈકોસિસ્ટમ ઉપર આધારિત છે. રાજ્યના ટકાઉ વિકાસ માટે મેન્ગ્રૂવ ઇકોસિસ્ટમને સાચવી રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. મેન્ગ્રૂવ જંગલો અને દરિયાઈ જીવસૃષ્ટિના સંરક્ષણ માટે રાજ્ય સરકારે સમયાનુસાર જરૂરી યોજનાઓ બનાવી તેનો યોગ્ય અમલ કર્યો છે. જેના ભાગરૂપે રાજ્યના મેન્ગ્રૂવ સંરક્ષણને લગતા કાર્યોના વિશ્વ અને રાષ્ટ્રીય સ્તરે વખાણ કરવામાં આવ્યા છે. ગુજરાત રાજ્યમાં કચ્છ, કચ્છનો અખાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં મેન્ગ્રૂવ કવર વિસ્તરેલું છે.
રાજ્યમાં જાેવા મળતા મેન્ગ્રૂવના પ્રકારો
ગુજરાત રાજ્યમાં મેન્ગ્રૂવ જંગલોમાં મેન્ગ્રૂવની ૧૫ જેટલી પ્રજાતિઓ જાેવા મળે છે. આ પ્રજાતિઓમાં એવીસેનિયા મરીના એ સૌથી વધુ પ્રભાવશાળી પ્રજાતિ છે, જે રાજ્યના મેન્ગ્રૂવ કવરનો લગભગ ૯૭% જેટલો ભાગ આવરી લે છે. મેન્ગ્રૂવની પ્રજાતિઓ ઉપરાંત, રાજ્યમાંથી મેન્ગ્રૂવ એસોસિએટ્‌સની ૧૦૦ થી વધુ પ્રજાતિઓ નોંધવામાં આવી છે.
મેન્ગ્રૂવ સંરક્ષણ માટેના ઉપાયો
• વિવિધ પ્રકારે સંરક્ષણ આપતા મેન્ગ્રૂવ વિસ્તારનું રક્ષણ કરવા માટે મેન્ગ્રૂવના નિવાસી સ્થાનોનું નિયમિત રીતે પેટ્રોલિંગ અને કોમ્બિંગ કરવું જાેઈએ.
• આ વિસ્તારોમાં પ્રદૂષણ ના ફેલાય તથા કોઈપણ જાતની અનિચ્છનીય પ્રવૃત્તિ ન થાય તેનું પણ આપણે ધ્યાન રાખવું જાેઈએ.
• મેન્ગ્રૂવ વસવાટોનો વિકાસ થાય, સમાજમાં વિવિધ ક્ષેત્રોમાં દરિયાકાંઠાના કલ્પવૃક્ષ એવા મેન્ગ્રૂવ જંગલોના સંરક્ષણ માટે જાગૃતિ કાર્યક્રમો યોજવા જાેઈએ.
• અન્ય ક્ષેત્રોમાં મેન્ગ્રૂવ ઉપર ર્નિભરતા ઘટાડી તેના સંશોધનને પ્રોત્સાહન આપવું જાેઈએ, જેથી મેન્ગ્રૂવ ઇકોસિસ્ટમનો વિકાસ થઈ શકે.
અત્રે નોંધનીય છે કે, દરિયાકિનારાના પ્રદેશોમાં પર્યાવરણ સંરક્ષણ માટે ચેર ખૂબ જ મહત્ત્વનું હોવાથી કેન્દ્ર સરકારના પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા ‘મિષ્ટી’ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના ‘મિષ્ટી’ કાર્યક્રમ અંતર્ગત પાંચ વર્ષ (વર્ષ ૨૦૨૩થી વર્ષ ૨૦૨૮) સુધીમાં નવ દરિયાકાંઠાના રાજ્યો અને ચાર કેન્દ્રશાસિત પ્રદેશોમાં આશરે ૫૪૦ ચોરસ કિલોમીટર વિસ્તારને આવરી લેવાશે.
મેન્ગ્રૂવના વિસ્તરણ અને વિકાસ ઉપર મંડરાતો ખતરો
ગ્લોબલાઇઝેશન તેમજ ઇન્ડસ્ટ્રીના વિકાસના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં વ્યાપારીકરણ થતું જાેવા મળે છે. દરિયાકાંઠાના વિસ્તારોને આવી ઔદ્યોગિક પ્રવૃત્તિઓએ ખૂબ મોટી રીતે નુકસાન પહોંચાડ્યું છે. યુનેસ્કોના જણાવ્યા અનુસાર આ બધા કારણોસર મેન્ગ્રૂવ વિસ્તારને નુકસાન થતા તે ત્રણથી પાંચ ગણી ઝડપે અદ્રશ્ય થઈ રહ્યા છે અને નાશ પામી રહ્યા છે. છેલ્લા ૪૦ વર્ષોમાં મેન્ગ્રૂવ કવરેજ લગભગ અડધું સંકોચાઈ ગયું છે.

error: Content is protected !!