ઉના નગરપાલીકાની સામાન્ય સભા નગરપાલીકાના પ્રમુખ જલ્પાબેન બાભણીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલીકા સભાખંડમાં મળેલ હતી. જેમાં તાજેતરમાં અવસાન પામેલ ઉના નગરપાલીકાના કર્મચારી સ્વ. અરજણભાઈ પાચાભાઈ બાભણીયા તથા સ્વ અરજણભાઈ નાનુભાઈ બાભણીયા શ્રધ્ધાંજલી અર્પણ કરતા બે મીનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. ત્યારબાદ આ સભામાં નગરપાલીકાના ચીફ ઓફિસર તરીકે નવા વરાયેલા એન.એમ. ચૌહાણનું ધારાસભ્ય કાળુભાઇ રાઠોડ તથા જલ્પાબેન બાભણીયા અને ઉપસ્થિત નગરપાલીકાના તમામ સદસ્યોએ ગુલદસ્તા અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સામાન્ય સભામાં શહેરના વિકાસ કામો અંગે ચર્ચા વિચારણાઓ કરી આ કામો અંગેના ઠરાવોને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી. તેમજ ધારાસભ્ય કાળુભાઈ રાઠોડે તેમના ખાસ વક્તવ્યમાં ઉના શહેરમાં કયાય પણ વરસાદી પાણી લાબો સમય ભરાય નહી તેવા આયોજન માટે પ્રતિબધ્ધતા વ્યકત કરી હતી. આ સામાન્ય સભામાં નગરપાલીકાના ભાજપાના ૩૬ સદસ્યો પૈકી ૩૨ સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.